BZ કૌભાંડ: એજન્ટ શિક્ષકો રજા પર, ઘરે ખંભાતી તાળા; CID ક્રાઇમના અરવલ્લી સાબરકાંઠામાં ધામા

ગાંધીનગર CID ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે CID ક્રાઇમે BZ GROUP પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઈનાન્સિયલ કંપનીમાં ત્રણ વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઉંચા વ્યાજની ઓફર આપી હતી.
ખેડા જિલ્લાના એજન્ટો અને શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યા
BZ કૌભાંડના તાર ખેડા જીલ્લામાં પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. BZના બે એજન્ટો ઉત્કંઠેશ્વર મહાદેવના કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલજોડીએ રોકાણકારોના કરોડો ડુબાડ્યા હોવાનું સામે આવ્યું છે. કપડવંજ તાલુકાના વાઘજીપુર ગ્રામજને BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતા હતા. પોપટસિંહ સોમજીભાઈ ચૌહાણ શિક્ષક તરીકે ખેડબ્રહ્માની પરોયા શાળામાં ફરજ બજાવે છે. હાલ વાઘજીપુર ગામ ખાતેના મકાનમાં તાળા લટકેલા જોવા મળ્યા છે. BZ પોન્ઝી સ્કીમની ઘટના બહાર આવતા શિક્ષક અને તેનો પરિવાર ગામ છોડી ભૂર્ગભમાં ઉતરી ગયા છે. ચંદ્રકાન્ત સેવકના 57 લાખની પૈતૃક સંપત્તી વેચી જીવનમૂડી જોખમમાં જતા આભ ફાટ્યું છે. વિસ્તારમાં અનેક લોકોને BZ સ્કીમમાં નાણાં રોકાવ્યા હોવાની માહિતી સામે આવી છે.
પ્રાંતિજમાં BZ વિરુદ્ધ ફરિયાદ બાદ એજન્ટના ઘરે પહોંચી CID
સીઆઇડી ક્રાઈમની ટીમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં BZ ઓફિસના સર્ચ બાદ દસ્તાવેજો સહિતની મહત્વના મુદ્દામાલને કબ્જે કરી કતપુર પહોંચી હતી. રોકાણકારે નોંધાવેલી ફરિયાદના આરોપી એજન્ટ નિકેશ પટેલના ઘરે સીઆઇડી ક્રાઈમની ટીમ પહોંચી હતી. આરોપી એજન્ટ નિકેશ પટેલની ધરપકડ કરવાને લઈ શોધખોળ શરુ કરાઈ છે. પ્રાંતિજના રોકાણકારે બીઝેડના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
અરવલ્લી જિલ્લામાં BZની શાખાઓ પર CIDની તપાસ
અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી BZની શાખા પર તપાસ અર્થે CID ક્રાઇમની ટીમ પહોંચી હતી. છેલ્લા કેટલાક દિવસ CIDની ટીમ અલગ અલગ BZની શાખા પર તપાસ કરી રહી છે. જો કે બાયડની BZ ઈલેક્ટ્રોનિક શાખા પર તાળાં જોવા મળ્યા હતા. આરતી ચંપકલાલ જયસ્વાલ નામની મહિલા આ શાખા ચલાવતી હતી. મોંઘીદાટ કાર સાથે મહિલા એજન્ટની તસવીરો વાયરલ થઇ છે. શાખાના શુભારંભ વખતે ભુપેન્દ્રસિંહ ઝાલા હાજર હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વોટ્સએપ પર સક્રિય થયા BZ ગ્રુપના એજન્ટ
BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યાં છે. વોટ્સએપ મેસેજમાં એજન્ટો મીડિયા આગળ પીડિતોને ના આવવા સૂચના આપી રહ્યાં છે. BZ ગ્રુપના એજન્ટો 'એક હૈ તો સેફ હૈ'ના સૂત્ર સાથે મેસેજ કરી રહ્યાં છે.આ સાથે જ એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી આપે છે કે, 'સરકાર બધુ જપ્ત કરી લેશે.'BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં એજન્ટ આવ્યા છે અને તેમની સામે કોઇ પણ પોલીસ ફરિયાદ ના કરવાની પણ સૂચના આપી રહ્યાં છે.
તમારા પૈસા નહીં ડુબે- BZ ગ્રુપના એજન્ટ
BZ ગ્રુપના એજન્ટોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વોટ્સએપ પર મેસેજ ફરતા કર્યા છે. રોકાણકારોને મેસેજ કરી રહ્યાં છે કે કોઇના કોઇ પૈસા ક્યાંય નહીં ડુબે, બસ પબ્લિક ફેવરમાં રહેજો. મીડિયા કે રાજકારણીઓની વાતમાં ના આવતા..જો આ મીડિયાની વાતમાં આવીને જો કોઇ આડુ અવળું પગલું ભર્યુ તો સરકાર તમને ખોટી લાલચ આપીને બધુ જપ્ત કરી લેશે અને બધુ ફંડ સરકારમાં જમા કરી લેશે."
કોણ મોકલતું હતું વોટ્સએપ પર મેસેજ?
BZ પોન્ઝી સ્કીમમાં વોટ્સએપ ગ્રુપમાં રાજેન્દ્રસિંહ ઝાલા (મકવાણા) નામનો વ્યક્તિ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ ઝાલા BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાયગઢ પાસે આવેલી સંસ્કાર એજ્યુકેશન સ્કુલમાં રાજેન્દ્રસિંહ સંચાલન અને મેનેજમેન્ટ કરતા હતા.

