મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકા: દરિયાકાંઠેથી વધુ ચરસના 40 પેકેટ મળ્યા, કિંમત 21 કરોડને પાર

સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાઈ રહ્યો

દ્વારકા: દરિયાકાંઠેથી વધુ ચરસના 40 પેકેટ મળ્યા, કિંમત 21 કરોડને પાર

સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે કલ્યાણપુરના નાવદ્રા દરિયા કિનારેથી એસઓજી પોલીસને 42 કિલો ચરસ મળી આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજે 21 કરોડથી વધુ થાય છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દ્વારકાના દરિયાકાંઠેથી એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 40 પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલ 42 કિલો ચરસના જથ્થાની બજાર કિંમત અંદાજે 21,06,75 000 થાય છે. આ મામલે SOGએ એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.

અગાઉ અત્યાર સુધીમાં 90થી વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દ્વારકાના વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી  30 જેટલા ડ્રગ્સના પેકેટમાં  32 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 16 કરોડથી વધુ હોવાનું મનાઈ છે. દ્વારકાના વાંચ્છું અને ગોરિંજા વિસ્તારમાં દરિયાકાંઠેથી ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે ચરસના વધુ 40 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.

ડ્રગ્સ માફિયાઓનો નવો પેતરો

ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.

આ સમાચાર શેર કરો