મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ મહાનગરપાલિકાની કચરામાંથી કંચન મેળવવાની કવાયત, ટ્રીટેડ વોટરનું વેચાણ કરી 340 કરોડ ઉભા કર્યા

સુરત શહેર વિશ્વના ફાસ્ટ ગ્રોઈંગ શહેરોમાં સ્થાન પામે છે. ત્યારે મહાનગરપાલિકાએ આવકના નવા સ્ત્ર

સુરત/ મહાનગરપાલિકાની કચરામાંથી કંચન મેળવવાની કવાયત, ટ્રીટેડ વોટરનું વેચાણ કરી 340 કરોડ ઉભા કર્યા

સુરત શહેર વિશ્વના ફાસ્ટ ગ્રોઈંગ શહેરોમાં સ્થાન પામે છે. ત્યારે મહાનગરપાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભો કરવા માટેની કવાયત યથાવત રાખી છે. જેમાં ટ્રીટેડ વોટરનું વેચાણ કરીને આવક ઉભી કરનાર સુરત પાલિકા દેશની એક માત્ર મહાનગરપાલિકા છે. સુરત પાલિકાએ ત્રણ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ( TPP)માંથી ત્રણ વર્ષમાં ટ્રીટેડ કરેલું પાણી ઉદ્યોગોને વેચીને 340 કરોડની માતબર આવક ઉભી કરી છે.  ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંનું ટ્રીટેડ પાણી વેચવામાં મળેલી સફળતા બાદ હવે પાલિકા સેકન્ડરી વેસ્ટ વોટર વેચી આવક ઉભી કરવા માટે આયોજન કરી રહી છે.

ઉદ્યોગોને સેકન્ડરી ટ્રીટેડ પાણી આપવા આયોજન

પાલિકાના બમરોલી ખાતેના 40  એમએલડી અને 35 એમ.એલ.ડી.ના  બે તથા ડિંડોલી ખાતે 40 એમએલડી ક્ષમતાનો  પ્લાન્ટ બનાવીને  પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને ઈન્ડસ્ટીયલ ગ્રેડનું પાણી આપવામાં આવી રહ્યું છે.  પાલિકાએ બનાવેલા આ ત્રણેય નેટવર્ક પાછળ પાલિકાને 345 કરોડનો ખર્ચ થયો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જ 340 કરોડની આવક થઈ છે.  સુરત પાલિકાએ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને આવકનું માધ્યમ બનાવી દીધું છે ત્યાર બાદ હવે પાલિકા પલસાણાના ઉદ્યોગોને સેકન્ડરી ટ્રીટેડ પાણી આપવા માટે આયોજન કરી રહી છે.

3 વર્ષમાં 340 કરોડની આવક

સુરત મહાનગરપાલિકા દ્વારા સૂએઝ વોટરને ટર્શરી ટ્રીટ કરીને ઉદ્યોગોને પાણી આપવાની શરૂઆત કરી હતી. પીવાનું શુદ્ધ પાણી બચાવવા સાથે ગટરના પાણીનો નિકાલ કરવા માટેની પાલિકાએ અપનાવેલી યોજનાના કારણે પાલિકાની આવક થવા સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ રહી છે. સુરત પાલિકા સૂએઝ વોટરને ટ્રીટ કરીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને 115 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપી રહી છે. આ ઉપરાંત સુરત પાલિકાએ બમરોલીમાં 75 એમ.એલ.ડી. અને ડીંડોલીમાં 40 એમ.એલ.ડી.ક્ષમતાનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે.  આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી સચીનના ઉદ્યોગોને પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આવી રીતે ટર્શરી ટ્રીટ કરેલું પાણી આપીને પાલિકાએ ત્રણ વર્ષમાં 340 કરોડની આવક ઉભી કરી છે. 

આ સમાચાર શેર કરો