મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: ભારે વરસાદને કારણે 33 ટ્રેન કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ મોડી પડી

ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફા

ગુજરાત: ભારે વરસાદને કારણે 33 ટ્રેન કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ મોડી પડી

ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન, ટર્મિનલ-2માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસમાં અમદાવાદને સાંકળતી 50 થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી જયારે 3 કેન્સલ કરાઇ હતી.

ભારે વરસાદથી મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર 

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી. હવે આવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે. તેમજ રૂટ ટૂંકાવાતા પણ મુસાફરોને ભારે પરેશાની પડી હતી.

એરપોર્ટ સુધી લાવવા-લઇ જવા માટે બમણા ભાડા વસૂલ્યા

અમદાવાદમાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાણી ભરાઇ જતાં એરપોર્ટ સુધી જનારા મુસાફરોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ સુધી લાવવા-લઇ જવા માટે કેબ-રીક્ષાચાલકોએ મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલ્યા હતા. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ-2ના ઈમિગ્રેશન વિભાગ સહિતના વિસ્તારોમાં પાણી પડવા લાગતા ત્યાં બાલદીઓ મૂકવાની ફરજ પડી હતી. ઠેકઠેકાણે પાણી પડતું હોવાથી મુસાફરોને અગવડોનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું

જોકે, અમદાવાદ એરપોર્ટના મેનેજમેન્ટના દાવા અનુસાર ભારે વરસાદ છતાં મુસાફરોને કોઇ જ પ્રકારની મુશ્કેલી પડી નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદને લીધે મુસાફરોને એરપોર્ટ શક્ય તેટલા વહેલા પહોંચવા પણ એરપોર્ટ દ્વારા સોમવારે સાંજે એડવાઈઝરી જાહેર કરાઈ હતી. 

આ સમાચાર શેર કરો