ભરૂચ : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 18 લાખના MD ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
Bharuch News : ભરુચ જિલ્લો ગુજરાતમાં ડ્રગ્સનું હબ તરીકે ઉભરી રહ્યો છે. ભરુચ જિલ્લામાં અદ્

Bharuch News : ભરુચ જિલ્લો ગુજરાતમાં ડ્રગ્સનું હબ તરીકે ઉભરી રહ્યો છે. ભરુચ જિલ્લામાં અદ્યોગિક વસાહતની કંપનીઓમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયાં બાદ હવે એકસપ્રેસ હાઈવે પરથી કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. રૂ.18 લાખનું એમડી ડ્રગ્સ લઇ જતા ત્રણ આરોપીઓને ડ્રગ્સ તેમજ કાર સહિત રૂ.20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ભરુચ તાલુકા પોલીસે ઝડપી પાડ્યાં છે.
રૂ.18 લાખના 0.180 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ. પ્રકૃતિ ઝણકાટને બાતમી મળી હતી કે ભરુચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે પરથી ઈનોવા કારમાં ડ્રગ્સ લઇને કેટલાક વ્યક્તિઓ પસાર થવાના છે. જેના પગલે તેઓ સ્ટાફ સાથે દિલ્હી-મુંબઇ એકસપ્રેસ હાઈવે પર વોચમાં હતા. તે દરમ્યાન વડોદરાથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર કારેલા ગામથી સમની જવાના નવા ઓવરબ્રીજની નીચે બાતમી મુજબની સફેદ ઈનોવા કાર આવી હતી. કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓની પૂછપરછ સાથે તપાસ કરતા તેમની પાસેથી 0.180 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.18 લાખ થાય છે.
20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દેરોલના રહેવાસી આરોપીઓ ઇલ્યાસ મલેક, અશરફ મુન્શી તેમજ હનીફની રૂ.18 લાખના ડ્રગ્સ તેમજ કાર, ડિજીટલ વજન કાંટો સહિત અન્ય મળી કુલ રૂ.20,22,520/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી NDPS એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આ ત્રણ આરોપીઓ પૈકી ઈલ્યાસ અગાઉ પણ માદક દ્રવ્યના કેસ સહિત અન્ય ગુનાઓમાં પણ ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓ ઇન્દોરથી લાવ્યાં હતા ડ્રગ્સ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ત્રણ આરોપીઓ આ ડ્રગ્સ ઇન્દોરથી મુંબઈના રાઉફ નામમાં શખ્સ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ કેટલા સમયથી આ રીતે ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી અને ક્યાં ક્યાં ડ્રગ્સ વેચ્યું છે સહિતના ઉત્તર મેળવવાની કવાયત હાથ ધરી છે.








