Banaskantha news: 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, ફૂડ વિભાગે પેઢીનું લાઇસન્સ કર્યું રદ
જાહેર આરોગ્યને લગતા ગંભીર મુદ્દે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક કાર્યવાહી

જાહેર આરોગ્યને લગતા ગંભીર મુદ્દે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક કાર્યવાહી કરતાં ડીસાની એક પેઢીમાંથી ભેળસેળવાળું ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. લાખો રૂપિયાની કિંમતના ૨૭૦ કિલો ઘી સહિત નમૂનાઓ પણ સરકારી ખાદ્ય પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
પેઢીનો માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણમાં પકડાઈ ચૂક્યો છે
ડીસાના “તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ” પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફટી ઓફિસર ઇ.એસ. પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. કાચા માલની વિગતો પણ પેઢી રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી. શંકાસ્પદ ૨૭૦ કિ.ગ્રા. ઘીનો જથ્થો (જેની અંદાજિત કિંમત રૂપિયા 1,67,400) જપ્ત કરાયો હતો. પેઢીનો માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણના કેસોમાં પકડાઈ ચૂક્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. હાલમાં પણ તેમ વિરુદ્ધ અનેક કેસો ચાલી રહ્યા છે.
અત્યારસુધીમાં પેઢીનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે અને સમગ્ર કેસની માહિતી સેન્ટ્રલ ફૂડ ઓથોરીટી (FSSAI) ને પણ મોકલવામાં આવી છે. હાલતંત્ર દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..






