મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખાંભા તાલુકામાં 220 લિટર શંકાસ્પદ દૂધ સહિતના જથ્થાનો કરાયો નાશ, FSL રિપોર્ટ બાદ કરાશે કાર્યવાહી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા બે રહેણાક મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન 220 લિટર શંકાસ્પદ દૂધ, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાઉડર અને વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. મોડી રાત્રે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે અને ખાંભા પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

મોડી રાત્રે ત્રાટકી પોલીસ અને ફૂડ વિભાગની ટીમ

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બાતમીના આધારે ઈંગોરાળા ગામના બે મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દૂધ બનાવવાનું નેટવર્ક મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી 220 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળી આવ્યું હતું.

તંત્ર દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ દૂધના જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે દૂધ, પાવડર અને તેલના નમૂના લઈ વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ પાવડર અને તેલના મિશ્રણથી દૂધ બનાવીને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

દૂધના અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ

આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથક ખાતે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ રેકેટમાં સંડોવાયેલા શખસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રહેણાક મકાનોમાં ચાલતા આ ગોરખધંધાના પર્દાફાશથી પંથકમાં દૂધના અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો