કડીના ખેરપુર ગામમાં ડાયરામાં ફાયરિંગ કરનાર 2 શખ્સોની ધરપકડ, બંદૂક જપ્ત
Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામમાં ડાયરામાં જાહેરમાં ફાયરિંગ કરવું બે શખ

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામમાં ડાયરામાં જાહેરમાં ફાયરિંગ કરવું બે શખ્સોને ભારે પડ્યું છે. પોલીસે ગુનો નોંધી આ બંને શખ્સોની ધરપકડ કરી છે, સાથે જ જેનાથી ફાયરિંગ કર્યું હતું એ બંદૂક પણ જપ્ત કરી છે.
બે શખ્સોએ બાર બોરની બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું
કડી તાલુકાના ખેરપુર ગામમાં જોગણીમાતાના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગઈકાલે 7 નવેમ્બરના રોજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ભગાજી ઠાકોર અને મોતીભાઈ રબારી નામના બે શખ્સોએ બાર બોરની બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ડાયરામાં હવામાં ફાયરિંગ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો : થાનગઢ ટ્રિપલ મર્ડરના 4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, જુઓ વીડિયો
બાર બોરની બંદૂક ડાંગરવા ગામના આર્મીમેનની
પોલીસે ડાયરામાં ફાયરિંગ કરનારા આ બંને શખ્સો ભગાજી ઠાકોર અને મોતીભાઈ રબારી વિરુદ્ધ ગુનો નોંધી તમની ધરપકડ કરી છે. સાથે જ ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાર બોરની બંદૂક પણ કબ્જે કરવામાં આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે જે બંદૂક કબ્જે કરવામાં આવી તે ડાંગરવા ગામના ચિરાગસિંહ નામના આર્મીમેનની હોવાનું જાણવા મળ્યું છે.
ડાયરાના કલાકરોની પણ પૂછપરછ કરશે પોલીસ
પોલીસ હવે આ ઘટના અંગે તપાસ કરી રહી છે કે ડાયરામાં કોની-કોની હાજરીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ડાયરાના સંચાલકો અથવા કલાકારોએ આ લોકોને ફાયરિંગ કરવા માટે ઉશ્કેર્યા હતા કે વખાણ કર્યા હતા કે નહીં. જો એવું થયું હશે તો પોલીસ તે વ્યક્તિ વિરુદ્ધ પણ પગલાં લેશે. પોલીસ ડાયરાના કલાકરોની પણ પૂછપરછ કરશે.








