મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહુવા: ઘર ફૂટે ઘર જાય... મહિલા પ્રમુખ સામેનો રોષ ચરમ સીમાએ, ભાજપના 18 સભ્યોનો બળવો

મહુવામાં ભાજપના રાજકારણમાં 'ઘર ફૂટે ઘર જાય..' જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સ

મહુવા: ઘર ફૂટે ઘર જાય... મહિલા પ્રમુખ સામેનો રોષ ચરમ સીમાએ, ભાજપના 18 સભ્યોનો બળવો

મહુવામાં ભાજપના રાજકારણમાં 'ઘર ફૂટે ઘર જાય..' જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ખૂદ ભાજપના જ ૧૮ સભ્યોએ બળવો કરી પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. વિરૂદ્ધમાં મતદાન કરનારા ભાજપના સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એક માત્ર કોંગ્રેસના સભ્યએ પણ આપ્યો હતો. આમ, બજેટની વિરૂદ્ધમાં બહુમતી સધાઈ હતી.

ભાજપના નગરસેવકોમાં જૂથવાદ

મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ ત્યારથી ભાજપના નગરસેવકોમાં જૂથવાદ શરૂ થઈ ગયો હતો. ભાજપના આંતરિક વિખવાદનો ભોગ મહુવાની જનતા બને છે અને શહેરનો વિકાસ અટકી જતાં શાસકોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ-રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોની સ્થિતિ સુધારવાની વાત તો ઘરે ગઈ પણ ભાજપના કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંદરો-અંદરના ડખામાંથી જ નવરા પડતા નથી. તેનો તાદ્રશ્ય દાખલો નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં જોવા મળ્યો છે.

 સામાન્ય સભાને ખૂદ ભાજપના જ સભ્યોએ તોફાની અને વિવાદાસ્પદ બનાવી 

સોમવારે મહુવા પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં શાસક પક્ષે પાંચ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવા મુક્યું હતું. પરંતુ અગાઉથી જે ધારણાં હતી તે મુજબ જ સામાન્ય સભાને ખૂદ ભાજપના જ સભ્યોએ તોફાની અને વિવાદાસ્પદ બનાવી હતી. સભામાં ભાજપના ૨૫માંથી ૮ સભ્ય અને કોંગ્રેસના ૧ સભ્ય મળી કુલ ૧૯ સભ્યએ બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના સાત અને સમાજવાદી પાર્ટીના પાંચ મળી ૧૨ સભ્યએ સમર્થનમાં વોટ આપ્યો હતો.

સાધારણ સભા શરૂઆતથી જ તોફાની બની હતી અને ભાજપનો વિહીપ વાચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અસંતુષ્ટ સભ્યોએ એજન્ડા મુજબ કાર્યવાહી થતી ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આમ, સાધારણ સભામાં ભાજપના વિખવાદે રાજકારણ ગરમાવ્યું છે અને આગામી દિવસોમાં કોઈ નવા-જૂની થાય તો પણ નવાઈ નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.

કોંગ્રેસના પાંચ સભ્ય ગેરહાજર રહ્યા

મહુવા નગરપાલિકાની બજેટ માટે મળેલી સાધારણ સભામાં કોંગ્રેસના પાંચ સભ્ય ગેરહાજર રહ્યા હતા. ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ૨૫ બેઠક ભાજપ, ૬ કોંગ્રેસ અને પાંચ બેઠક પર સમાજવાદી પાર્ટીના સભ્યો ચૂંટાયેલા છે. તેમાં પણ ભાજપ સાથે કોંગ્રેસ-સપાના નગરસેવકોનું 'ઈલુ ઈલુ' ચાલતું હોય, સાંઠ-ગાંઠથી ભ્રષ્ટાચારયુક્ત વહીવટી ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ ખૂદ ભાજપના જ સભ્યોએ કર્યા છે.

મહુવા નગરપાલિકાના પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટ સામે વિરોધ ઉઠાવનારા સભ્યોએ એવા ગંભીર આક્ષેપો મુક્યા છે કે, ખરેખર તો પહેલા કારોબારી સમિતિમાં બજેટ (અંદાજપત્ર) મંજૂરી કરી બાદમાં સામાન્ય સભામાં મુકવાનું હોય છે. આ માટે કારોબારી સમિતિના ચેરમેન જીતુબેન ગોહિલે ગત તા.૨૧-૨ના રોજ પ્રમુખને પત્ર લખી કારોબારીમાં બજેટઊ મંજૂર કરાવવા પણ કહ્યું હતું. તેમ છતાં પ્રમુખ ચાંદનીબેન મહેતાએ તે વાતને ગણકારી ન હતી અને પ્રમુખે સામાન્ય સભામાં બજેટ બારોબાર મુકી હતું. તેથી આ બજેટને નામંજૂર કરવા મતદાન કર્યું છે.

ભાજપના સભ્યોએ રોષ ઠાલવ્યો

ભાજપના સભ્યોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, વર્તમાન પ્રમુખની વરણી સામે બહુમતી સભ્યોનો વિરોધ હતો તેમ છતાં પક્ષના આદેશને માન્ય રાખવામાં આવ્યો હતો. વરણીના સાડા ત્રણ માસ બાદ કમિટીની રચના માટે સામાન્ય સભા મળી હતી. તેમાં પક્ષના મેન્ડેટમાં પણ ગોલમાલ કરાઈ હતી. આ ઉપરાંત અમુક કમિટીની રચના અને પ્રતિનિધિની નિમણૂકમાં આજદિન સુધી પ્રમુખે સહી ન કરી હોવાથી કમિટી કામ કરી શકતી નથી. પ્રમુખના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે પક્ષના મોવડીઓને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે અને એક માસમાં પ્રમુખ બદલવાની બાંહેધરી આપવામાં આવ્યાનો પણ ભાજપના સભ્યો તરફથી દાવો કરાયો છે.

આ સમાચાર શેર કરો