TRP અગ્નિકાંડને 10 દિવસ પૂર્ણ, સરકાર પાસે 'SIT'એ વધુ સમય માંગ્યો
સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવાતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવદેહો સળગીને કોલસા જેવા

સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવાતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવદેહો સળગીને કોલસા જેવા થઈ ગયાના અત્યંત દર્દનાક બનાવમાં રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિમેલી SITને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો જે દસ દિવસ આજે પૂરા થયા છે પરંતુ, આ અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે. સિટની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અડધો ભાગ ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી, ઉપરાંત અન્ય દસ્તાવેજી પૂરાવાઓની પણ SIT દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.
સીટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો
રાજકોટ પોલીસની SIT દ્વારા આ અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં એક આરોપી અને ગેમઝોનના માલિક કિરીટસિંહ જાડેજાની રિમાન્ડ આજે પૂરી થતા આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરાશે. સૂત્રો અનુસાર આરોપીની પુછપરછમાં એવું બહાર આવ્યું છે કે ઈ.સ.2001માં ગેમઝોનની શરૂઆત થતા તે ધીમે ધીમે જામવા લાગ્યો અને લાખો રૂ।.ની તગડી આવક થવા લાગતા તેમાં બાંધકામ વધવા લાગ્યું હતું. પરંતુ, આ ગેમઝોનમાં કેટલી આવક થઈ છે તે અંગે પોલીસને હજુ ચોક્કસ માહિતી મળી નથી, કારણ કે મુલાકાતી લોકો દ્વારા કેટલાક ઓનલાઈન અને કેટલાક કેશ પેમેન્ટ કરતા હતા અને રોકડ વ્યવહારનું આખુ રેકોર્ડ આગમાં સળગી ગયાનું જણાવાયું છે. જ્યારે બેન્કીંગ વ્યવહારોની વિગતો મેળવાઈ રહી છે. આ કેસમાં મોટી લેવડદેવડની શક્યતા છે અને ઈન્કમટેક્સ પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે.
માલિકો-ભાગીદારોએ ગેમઝોનનો વિસ્તાર કરવા સાથે તેમાં ફોમ સહિત ઝડપથી સળગી ઉઠે તેવા પદાર્થોનો વ્યાપક ઉપયોગ થયો હોય ફાયર સેફ્ટી માટે સાધનો ખરીદવા તજવીજ હાથ ધરી હતી પરંતુ, ફાયર સેફ્ટી સાધનોના જાણકાર દ્વારા જે ધારાધોરણ મૂજબ સાધનો ખરીદવા ભલામણ કરી તે મોંઘા હોય સસ્તા અને હલકી ગુણવત્તાના કેટલાક સાધનો રખાયા હતા. આગ વેલ્ડીંગના તણખાંથી લાગી તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં આગ બુઝાવવાનો પહેલા આવા સાધનોથી પ્રયાસ થાય છે પરંતુ, તેનાથી આગ બુઝાઈ ન્હોતી અને ઝડપથી આખા ડોમમાં પ્રસરી હતી અને સત્તાવાર રીતે ૨૭ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આમ, આરોપીઓની ગંભીર બેદરકારી ખુલી છે.






