વિજય દેવરકોંડા માટે રશ્મિકા મંદાનાએ લખી 8 પેજની નોટ, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

કરણ જોહરના શોમાં પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યા બાદ સોશિયલ મીડિયા પર મચેલા હોબાળા વચ્ચે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો છે. રશ્મિકાએ કહ્યું હતું કે લગ્ન માટે તેણે વિજય દેવરકોંડાને આખા એક વર્ષ સુધી મનાવ્યો હતો, અને લગભગ 100 વાર કહ્યું હતું, ત્યારે જઈને તે લગ્ન માટે રાજી થયા હતા. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે બંનેના સંબંધો પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું, અને કેટલાક લોકોએ તો વિજયને 'રેડ ફ્લેગ' પણ કહી દીધા હતા. હવે રશ્મિકાએ 8 પેજની લાંબી નોટ લખીને ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.
'વાત 100 વાર કહેવાની કે, એક વર્ષની નહોતી'
રશ્મિકાએ સ્પષ્ટ કર્યું કે, લોકોએ તેની વાતનો ખોટો અર્થ કાઢ્યો. આ વાત એના વિશે નહોતી કે કેટલી વાર કહેવામાં આવ્યું, પરંતુ વિજય સમય અને સ્પેસ લેવા માંગતો હતો, જેથી બંને એકબીજાને સારી રીતે સમજી શકે. તેમણે લખ્યું, 'હું દિલવાળી છું અને એ દિમાગવાળો છે, અને અમને એકબીજાની જિંદગીમાં આ જ જરૂર હતી.'
'જ્યારે મારા હાડકા તૂટે છે, ત્યારે તમે નથી હોતા, એ હોય છે'
લોકો દ્વારા રિલેશનશિપમાંથી બહાર નીકળવાની સલાહ આપવા પર રશ્મિકાએ ભાવુક થઈને કહ્યું, 'જ્યારે મારા હાડકા તૂટે છે, ત્યારે તમે ત્યાં નથી હોતા, એ હોય છે. જ્યારે મને એન્ઝાઈટી હુમલો આવે છે, ત્યારે તમે ત્યાં નથી હોતા, એ હોય છે. મને સપોર્ટ અને પ્રોટેક્શન ત્યારે પણ એ જ આપે છે.' તેમણે ઉમેર્યું કે, તેઓ પોતાના પાર્ટનરના પ્રેમમાં પાગલ છે, અને આમાં કંઈ ખોટું નથી.
'મારી ફેમિલીને વચ્ચે લાવવું ફેમિનિઝમ નથી, ગુંડાગર્દી છે'
રશ્મિકાએ ટ્રોલર્સને ફટકાર લગાવતા કહ્યું કે, તેમના સંબંધો પર બોલવું હોય તો બોલો, પરંતુ પરિવારને વચ્ચે લાવવું એ ફેમિનિઝમ નથી પરંતુ ફેમિનિઝમના નામે ગુંડાગર્દી છે. તેમણે પોતાના કન્નડ ફેન્સનો પણ આભાર માન્યો જેઓ વર્ષો પછી પણ તેમને યાદ રાખે છે.











