‘મારા હાડકાં તૂટે કે એન્ઝાયટી થાય, ત્યારે વિજય જ સંભાળે છે, તમે નહીં’: રશ્મિકા મંદાનાનો ટ્રોલર્સને જવાબ

અભિનેત્રી રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડાના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. કરણ જોહરના શોમાં પોતાની લવ સ્ટોરી વિશે વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર રશ્મિકાને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે રશ્મિકાએ આઠ પાનાંની લાંબી નોટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મુશ્કેલ સમયમાં તેની સંભાળ વિજય રાખે છે, સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારા લોકો નહીં.
‘એક વર્ષ સુધી મનાવવાની વાતનો ખોટો અર્થ કાઢ્યો’
કરણ જોહરના શોમાં રશ્મિકાએ જણાવ્યું હતું કે તેણે લગ્ન માટે વિજય દેવરકોંડાને લગભગ એક વર્ષ સુધી મનાવ્યો હતો અને આશરે 100 વાર વાત કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ બંનેના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક યુઝર્સે તો વિજયને ‘રેડ ફ્લેગ’ પણ ગણાવ્યો હતો. આ વિવાદ અંગે રશ્મિકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મુદ્દો કેટલી વાર વાત કરી કે કેટલો સમય લાગ્યો તેનો નહોતો, પરંતુ વિજય એકબીજાને સારી રીતે સમજવા માટે સમય અને સ્પેસ ઇચ્છતો હતો. રશ્મિકાના જણાવ્યા અનુસાર, તે લાગણીઓથી નિર્ણય લે છે, જ્યારે વિજય વધુ વ્યવહારુ રીતે વિચારે છે. બંનેના સ્વભાવમાં રહેલો આ તફાવત જ એકબીજાની જિંદગીમાં જરૂરી હતો.
‘મને એન્ઝાયટી થાય ત્યારે પણ વિજય જ મારી સાથે હોય છે’
રશ્મિકાએ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોમાંથી બહાર નીકળવાની સલાહ આપનારા લોકોને પણ જવાબ આપ્યો. તેણે ભાવુક અંદાજમાં જણાવ્યું કે જ્યારે તેના હાડકાં તૂટે છે અથવા તેને એન્ઝાયટીનો હુમલો આવે છે, ત્યારે ટ્રોલર્સ તેની સાથે હોતા નથી, પરંતુ વિજય તેની સંભાળ રાખે છે. રશ્મિકાએ કહ્યું કે મુશ્કેલ સમયમાં તેને સપોર્ટ અને સુરક્ષા પણ વિજય જ આપે છે. તે પોતાના પાર્ટનરના પ્રેમમાં છે અને આ વાતમાં તેને કંઈ ખોટું લાગતું નથી. તેના મતે, સંબંધ વિશે બહારથી ટિપ્પણી કરવી સરળ છે, પરંતુ બંને વચ્ચેના સંબંધની વાસ્તવિકતા તેઓ જ સારી રીતે જાણે છે.
‘પરિવારને વચ્ચે લાવવું ફેમિનિઝમ નહીં, ગુંડાગર્દી છે’
રશ્મિકાએ ટ્રોલર્સને ચેતવણી આપતાં કહ્યું કે કોઈને તેના અને વિજયના સંબંધો વિશે અભિપ્રાય આપવો હોય તો આપી શકે છે, પરંતુ પરિવારને વચ્ચે લાવવો યોગ્ય નથી. તેણે સ્પષ્ટ કર્યું કે પરિવારને નિશાન બનાવવું એ ફેમિનિઝમ નથી, પરંતુ ફેમિનિઝમના નામે ગુંડાગર્દી છે. આ સાથે રશ્મિકાએ પોતાના કન્નડ ચાહકોનો પણ આભાર માન્યો હતો. વર્ષો બાદ પણ તેને યાદ રાખીને સાથ આપનારા ચાહકો પ્રત્યે તેણે આભાર વ્યક્ત કર્યો. ટ્રોલિંગ વચ્ચે રશ્મિકાના આ જવાબ બાદ ફરી એકવાર તેના અને વિજય દેવરકોંડાના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે.






