મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હવે વિમાન મુસાફરી સસ્તી થશે? CM વિજય સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, કેન્દ્ર સરકારે પણ કરી પ્રશંસા!

હવે વિમાન મુસાફરી સસ્તી થશે? CM વિજય સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, કેન્દ્ર સરકારે પણ કરી પ્રશંસા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તમિળનાડુ સરકારે વિમાનના ઈંધણ (એવિએશન ટર્બાઈન ફ્યુઅલ - ATF) પર વેટ ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ચેન્નાઈ એરપોર્ટ પર વેટનો દર 29%થી ઘટાડીને 16% કર્યો છે, જ્યારે રાજ્યના અન્ય તમામ એરપોર્ટ પર તેને ઘટાડીને માત્ર 1% કરી દીધો છે. આ પગલાથી મુશ્કેલીમાં મુકાયેલી એરલાઈન્સ કંપનીઓને મોટી આર્થિક રાહત મળશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Union Civil Aviation Minister Ram Mohan Naidu)એ મુખ્યમંત્રી થલપતિ વિજય (CM Thalapathy Vijay)ના આ પગલાની પ્રશંસા કરતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ હવાઈ મુસાફરીને સામાન્ય લોકો માટે વધુ સસ્તી બનાવવામાં મદદરૂપ બનશે.

હવાઈ મુસાફરી અને પ્રાદેશિક જોડાણને વેગ મળશે

તમિળનાડુના ઉદ્યોગ મંત્રી વિરુધઈ મગલ કીર્તનાએ જણાવ્યું કે, આ નિર્ણયથી એરલાઈન્સ કંપનીઓનો સંચાલન ખર્ચ ઘટશે. ખર્ચ ઓછો થવાથી કંપનીઓ નવા રૂટ્સ શરૂ કરી શકશે, ફ્લાઈટ્સની સંખ્યા વધારશે અને ચેન્નાઈ સિવાયના નાના શહેરોમાં પણ કનેક્ટિવિટી વધશે. આ નીતિ રાજ્યમાં પ્રવાસન, આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે.

એરલાઈન્સ કંપનીઓ પર વધતું આર્થિક દબાણ

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. કોઈપણ એરલાઈનના કુલ સંચાલન ખર્ચમાં સામાન્ય રીતે ઈંધણનો હિસ્સો 30-40% હોય છે, જે વધીને હાલ 55-60% સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ભારતીય રૂપિયામાં ઘટાડો અને કેટલાક એરસ્પેસ બંધ થવાને લીધે લાંબા રૂટ્સ પર ફ્લાઈંગ કોસ્ટ ઘણી વધી ગઈ છે. ભારતીય એરલાઈન્સ ફેડરેશને પણ ઊંચા ખર્ચને કારણે ફ્લાઈટ્સ ઘટાડવાની ચેતવણી આપી હતી. આવી સ્થિતિમાં વેટમાં કરાયેલો આ ઘટાડો એરલાઈન્સનો બોજ હળવો કરશે અને હવાઈ ભાડાં અંકુશમાં રાખવામાં પણ મદદ કરશે.

આ સમાચાર શેર કરો