હોલિવૂડના સૌથી મોટા મ્યુઝિયમમાં ગૂંજશે 'રામાયણ'! ડેડપૂલથી લઈને એવેન્જર્સના ડાયરેક્ટર્સ સુધીના સ્ટાર્સ થશે એકઠા; જુઓ ખાસ તૈયારી

અભિનેતા રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ઈન્ટરનેશનલ પ્રોમોશનલ ઈવેન્ટ 15 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યું છે. આ કડીમાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા એક ભવ્ય વર્લ્ડ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, આ ખાસ ઈવેન્ટ 27 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસના જાણીતા 'અકેડમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ' ખાતે યોજાશે, જેમાં હોલિવૂડની અંદાજે 945 જેટલી મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે.
દીપાવલી થીમ પર યોજાશે પ્રીમિયર
'અકેડમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ'એ વિશ્વનું સૌથી મોટું ફિલ્મ મ્યુઝિયમ છે. ફિલ્મનું સ્ક્રીનિંગ આ મ્યુઝિયમના 'ડેવિડ ગેફેન થિયેટર'માં રાખવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે મેકર્સ દ્વારા આ ઈવેન્ટની થીમ દિવાળી પર રાખવામાં આવી છે. આ ઉપરાંત તમામ આમંત્રિત મહેમાનો માટે ખાસ ભારતીય ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. પ્રીમિયરમાં રામાયણની સમગ્ર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ પણ હાજર રહેશે.
ક્રિસ્ટોફર નોલાન અને જેમ્બ કેમરૂન સહિતના દિગ્ગજોને નિમંત્રણ
જોકે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરાઈ નથી, પરંતુ ચર્ચા છે કે આ પ્રીમિયરમાં 'અવતાર'ના ડાયરેક્ટર જેમ્સ કેમરૂન, 'ઈન્ટરસ્ટેલર' અને 'ધ ઓડિસી'ના ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાન, 'ડ્યુન' ફ્રેન્ચાઈઝના ડેની વિલનવ તેમજ 'એવેન્જર્સ: એન્ડગેમ' ફેમ રૂસો બ્રધર્સ ભાગ લઈ શકે છે. આ સિવાય માર્વલ ફિલ્મ્સના 'ડેડપૂલ' એટલે કે એક્ટર રાયન રેનોલ્ડ્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થાય તેવી શક્યતા છે.
20 ઓક્ટોબરથી ભારતમાં એડવાન્સ બુકિંગ અને અગત્યની વિગતો
અમેરિકન માર્કેટમાં આ ફિલ્મ હિન્દી અને ઈંગ્લિશ બંને ભાષાઓમાં રિલીઝ થવાની છે. હિન્દી વર્ઝનનો રનટાઈમ 3 કલાક અને 15 મિનિટનો રહેશે, જ્યારે ઈંગ્લિશ વર્ઝન 2 કલાક અને 45 મિનિટનું હશે. ભારતમાં આ ફિલ્મનું પ્રી-બુકિંગ 20 ઓક્ટોબરથી શરૂ થશે અને તે જ દિવસે ફિલ્મનું નવું ગીત 'રામા-રામા' પણ લોન્ચ કરવામાં આવશે. બોલિવૂડની આ મહાકાવ્ય ફિલ્મ 'રામાયણ'નો પહેલો ભાગ 05 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે.









