મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મુંબઈમાં આલીશાન ઘર, માત્ર ફિલ્મોથી જ નહીં, અહીંથી પણ ટાઇગર શ્રોફ કરે છે અઢળક કમાણી

મુંબઈમાં આલીશાન ઘર, માત્ર ફિલ્મોથી જ નહીં, અહીંથી પણ ટાઇગર શ્રોફ કરે છે અઢળક કમાણી
આ સમાચાર સાંભળો

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગથી ફરી એકવાર બોલિવૂડમાં ભયનો માહોલ સર્જાયો છે. રવિવારે સાંજે જુહૂ વિસ્તારમાં ટાઇગર પર ગોળીબાર થયો હતો, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં ટાઇગરના ડ્રાઇવર ફિરદોસ પણ સામેલ છે. આ ઉપરાંત ટાઇગરના હાથ અને છાતી પર પાટા અને બેન્ડેજ બાંધેલી તસવીરો પણ સામે આવી છે. તાજા અપડેટ અનુસાર, ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં 5 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે, ટાઇગર શ્રોફે વર્ષ 2014માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને પોતાના અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. તેમણે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ પોતાની ઓળખ નથી બનાવી, પરંતુ ફિલ્મોમાં અભિનયથી લઈને પોતાના ફિટનેસ બિઝનેસ થકી પણ મોટી સંપત્તિ ઊભી કરી છે. આવો જાણીએ બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની નેટવર્થ વિશે...

ક્યારે, ક્યાં અને કેવી રીતે થયો ટાઇગર પર હુમલો?

સૌપ્રથમ જણાવી દઈએ કે, રવિવારે સાંજે આશરે 7 વાગ્યે ટાઇગર શ્રોફ મુંબઈના જુહૂ વિસ્તારમાં પુષ્પા પાર્ક નજીક ફૂટબોલ મેચ રમીને પોતાની બીએમડબલ્યુ કાર (BMW) લઈને નીકળ્યા હતા, ત્યારે જ અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બોલિવૂડ પર થયેલા આ નવા હુમલાએ ફરી એકવાર દહેશત ફેલાવી દીધી છે. જોકે, મુંબઈ પોલીસે તાબડતોબ ટીમો બનાવીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી અને હવે તેમને રાજસ્થાનના કોટા સ્થિત રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદો સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ટાઇગરની નેટવર્થ, ક્યાં-ક્યાંથી થાય છે કમાણી?

ટાઇગર શ્રોફે વર્ષ 2014માં ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક એક્શન સ્ટાર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ટાઇગર શ્રોફની અંદાજિત નેટવર્થ આશરે ₹240 થી ₹250 કરોડ આસપાસ છે. આમાં એક મોટો હિસ્સો ફિલ્મોમાં અભિનય દ્વારા થતી તેમની કમાણીનો છે. જોકે, માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ટાઇગર શ્રોફ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પોતાના ફિટનેસ બિઝનેસ થકી પણ મબલખ કમાણી કરે છે.

વિવિધ અહેવાલો મુજબ, બાગી ફ્રેન્ચાઇઝી ઉપરાંત વૉર, સ્ટુડન્ટ ઑફ ધ યર-2 અને સિંઘમ અગેઇન જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી વિશાળ ફેન ફોલોઇંગ ઊભી કરનાર ટાઇગર શ્રોફ એક ફિલ્મ માટે ₹25 થી ₹30 કરોડ સુધીનો ચાર્જ વસૂલે છે. આ ઉપરાંત તેઓ ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ જોવા મળે છે અને એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે આશરે ₹3 કરોડ ફી લે છે.

પોતાની ફિટનેસ માટે જાણીતા બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પોતાના બિઝનેસ વેન્ચર્સમાંથી પણ કમાણી કરે છે. તેમણે વર્ષ 2018માં 'PROWL' નામની એક ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લૉન્ચ કરી હતી, જે ખાસ કરીને પુરુષો માટેની ગ્રૂમિંગ બ્રાન્ડ છે. આ બ્રાન્ડ ફિટનેસ ક્લોથિંગ અને એસેસરીઝ પણ વેચે છે. આ ઉપરાંત તેઓ 'MMA Matrix' નામે પ્રીમિયમ ફિટનેસ સેન્ટર-જિમ ચેઇન પણ ચલાવે છે. અહીંથી પણ તેઓ મોટી કમાણી કરે છે.

મુંબઈમાં ટાઇગરનું આલીશાન ઘર

36 વર્ષીય એક્ટર ટાઇગર શ્રોફની લક્ઝરી લાઇફસ્ટાઇલની ઝલક તેમનું આલીશાન ઘર પણ દર્શાવે છે, જેની સુરક્ષા તેમના પર થયેલા ફાયરિંગ બાદ વધારી દેવામાં આવી છે. ટાઇગર શ્રોફનું મુંબઈમાં ઘર ખાર વેસ્ટ વિસ્તારમાં આવેલા પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ 'રુસ્તમજી પેરામાઉન્ટ'માં છે. આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ 8 બેડરૂમ ધરાવે છે. તેમાં એકથી એક ચડિયાતી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશાળ હોલ, ઓફિસ સ્પેસ, પાઉડર રૂમ અને મોર્ડન કિચન ઉપરાંત આ ઘરમાં પર્સનલ જિમ અને ડાન્સ સ્ટુડિયો પણ છે. આ સિવાય રિપોર્ટ્સ મુજબ, તેમની પાસે મુંબઈના બાંદ્રા અને પુણેમાં પણ પ્રોપર્ટીઝ છે. સાથોસાથ તેમનું કાર કલેક્શન પણ શાનદાર છે, જેમાં ઘણી મોંઘી અને લક્ઝરી કાર્સ સામેલ છે.

આ સમાચાર શેર કરો