રાખી સાવંત મુશ્કેલીમાં, કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

રાખી સાવંતની મુશ્કેલીઓ આજકાલ વધી રહી છે. રાખી સાવંત વિરુદ્ધ 16 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં CAW (FTC) કોર્ટે 17 Octoberના રોજ રાખી સાવંત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. વારંવાર કોર્ટમાં હાજર ન થવાને કારણે એક્ટ્રેસ વિરુદ્ધ આ એક્શન લેવામાં આવ્યું છે. રાખી સાવંતે 10 વર્ષ પહેલાં પોતાના શો 'રાખી કે ઇન્સાફ' પર 24 વર્ષના લક્ષ્મણ અહિરવારને નપુંસક કહીને અપમાનિત કર્યો હતો.
રાખી સાવંતે લક્ષ્મણને નેશનલ ટીવી પર નામર્દ કહીને અપમાનિત કર્યો હતો, જેના આઘાતમાં આવીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકની માતાએ રાખી સાવંત વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. માતાની ફરિયાદના આધારે રાખી સાવંત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવો, કાવતરૂ રચવા સહિતના અનેક આરોપોમાં મામલો નોંધવામાં આવ્યો હતો.
1 ડિસેમ્બરના રોજ થશે આગામી સુનાવણી
કોર્ટ દ્વારા સમન જારી કરવા છતાં રાખી સાવંત સુનાવણી માટે હાજર થઈ રહી નહોતી. એવામાં હવે અદાલતે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ મામલામાં આગામી સુનાવણી 1 ડિસેમ્બરના રોજ થશે. ઝાંસીના રહેવાસી લક્ષ્મણ અહિરવારે રાખી સાવંતની ટિપ્પણી બાદ 10 નવેમ્બર 2010ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસે શો 'રાખી કે ઇન્સાફ' પર આ વિવાદિત ટિપ્પણી કરી હતી. યુવકની માતાએ પ્રેમ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
'રાખી કા ઇન્સાફ'થી શરૂ થયો હતો મામલો
વર્ષ 2010માં રાખી સાવંતનો શો 'રાખી કા ઇન્સાફ' ખૂબ ચર્ચિત હતો. આ શો પર લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા. લક્ષ્મણ અહિરવાર અને તેમની પત્ની અનીતા આ શો પર પહોંચ્યા હતા. અનીતાએ શો પર ખુલાસો કર્યો હતો કે તે ઘણા મહિનાઓથી પોતાના પતિથી અલગ રહેતી હતી. સાથે જ અનીતાએ કહ્યું હતું કે તેનો પતિ લક્ષ્મણ દારૂ પીને તેને મારપીટ કરતો હતો. આ સિવાય જ્યારે કોઈ સગા સંબંધીએ તેની સાથે ખોટું વર્તન કર્યું તો પણ તેના પતિએ તેનો સાથ આપ્યો નહોતો.
આ બબાલમાં પોતાની ટિપ્પણી આપતા રાખી સાવંતે લક્ષ્મણને નપુંસક કહી દીધો હતો. આ વાતથી તે એટલો આઘાત પામ્યો કે તેમણે આત્મહત્યા કરી લીધી. આ મામલામાં યુવકની માતાએ રાખી સાવંત વિરુદ્ધ કેસ નોંધાવ્યો.









