પત્નીના જન્મદિવસે ભાવુક થયા રાજપાલ યાદવ, કહ્યું- 'મારા જીવનમાં જો કોઈનું સૌથી મોટું દેવું છે, તો તે...

બોલિવૂડના પ્રખ્યાત એક્ટર રાજપાલ યાદવ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. તે ચેક બાઉન્સ કેસમાં ફસાયા હોય કે જીવનમાં કોઈ અન્ય મુસીબતનો સામનો કર્યો હોય, એક્ટરની પત્ની હંમેશાં તેની ઢાલ બનીને ઊભી રહી છે. તે પોતાના જીવનમાં પત્નીના મહત્ત્વને હંમેશાં ઉજાગર કરતા રહ્યા છે. આ સ્ટારે સોશિયલ મીડિયા પર પત્ની રાધાના જન્મદિવસે તેને શુભેચ્છાઓ આપતાં એક ઈમોશનલ પોસ્ટ લખી છે. રાજપાલ યાદવે પત્નીને પરિવારનો ‘હીરો’ પણ ગણાવ્યો છે.
એક્ટર રાજપાલ યાદવે શનિવારે 17 ઓક્ટોબરના રોજ પત્ની સાથેનો એક મનમોહક ફોટો શેર કર્યો અને પોતાના જીવનમાં તેમના જેવી વ્યક્તિ મેળવવા બદલ પોતાના નસીબનો આભાર માન્યો. તેમણે ખુલાસો કર્યો કે મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ તેમણે મારો સાથ છોડ્યો નહીં અને ચટ્ટાની જેમ મજબૂતીથી મારી સાથે ઊભી રહી. એક્ટર લખે છે, ‘માતા-પિતા, ગુરુ (દદ્દા), મારા અંદરના મનોરંજન કુમાર અને પરમ પિતા પરમેશ્વર, પરમાત્મા રૂપી બ્રહ્માંડ પછી, જો મારા જીવનમાં કોઈનું સૌથી મોટું દેવું છે, તો તે મારી પ્રિય રાધાનું છે. આ દેવાને હું હૃદયથી, ખુશી-ખુશી હંમેશાં માટે સ્વીકાર કરું છું અને આ વાત પર ગર્વ પણ અનુભવું છું કે તું મારા જીવનમાં આવી. જીવનની દોડધામના દરેક મોડ પર સાથ આપ્યો. દરેક મુશ્કેલ ઘડીમાં આપા ખોયા વગર મારો સાથ ક્યારેય છોડ્યો નહીં.’
રાજપાલ યાદવે કરી પત્નીની પ્રશંસા
રાજપાલ યાદવે આગળ કહ્યું, ‘મારી સાથે આ બધું સહન કર્યા પછી પણ, તમે મારા પરિવારના બાળકોને સારી રીતે ભણાવ્યા-ગણાવ્યા અને તેમને જીવનના પાઠ ભણાવ્યા. આ સપનું મારું હતું, પણ તેને પૂરું તમે કર્યું. આજ સુધી તમે મારી પાસેથી પોતાના માટે કંઈ જ માંગ્યું નથી, પરંતુ પોતાનું બધું જ મારા અને મારા પરિવારની ખુશીઓ માટે ન્યોછાવર કરી દીધું.’ તેમણે રાધાની પ્રશંસા કરતાં શેર કર્યું, ‘સાચું કહું તો તમે આપણા પરિવારમાં એક હીરા સમાન છો.’ રાજપાલે બર્થડે પોસ્ટના અંતે લખ્યું, ‘આ બધા માટે હું જીવનભર તમારો આભારી હતો, આભારી છું અને હંમેશાં આભારી રહીશ. મારી પ્રિયતમાને જન્મદિનની શુભેચ્છાઓ. હંમેશાં તને પ્રેમ કરું છું, મારી જાન રાધા.’ અભિનેતા રાજપાલ યાદવની પહેલી પત્ની કરુણાનું બાળકના જન્મના થોડા સમય પછી જ નિધન થયું હતું. તેમની સાથે તેમને એક દીકરી જ્યોતિ છે. બાદમાં રાજપાલ યાદવે રાધા સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને બે દીકરીઓ થઈ- હર્ષિતા અને રેહાંશી.






