ગૌતમ અદાણીની મોટી જાહેરાત, 70 વર્ષની વયે થશે નિવૃત્ત, જાણો કોને આપશે અબજો ડોલરની કંપનીની જવાબદારી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 70 વર્ષની ઉંમરે રાજીનામું આપશે. ગૌતમ અદાણી હાલમાં 62 વર્ષના છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 70 વર્ષની ઉંમરે રાજીનામું આપશે. ગૌતમ અદાણી હાલમાં 62 વર્ષના છે. અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ 2030 ના દાયકાની શરૂઆતમાં જૂથનું નિયંત્રણ તેમના પુત્રો અને ભત્રીજાઓને સોંપવાની યોજના ધરાવે છે. ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં આ પ્લાનનો ખુલાસો કર્યો હતો. જ્યારે ગૌતમ અદાણી નિવૃત્ત થશે, ત્યારે તેમના ચાર વારસદારો - પુત્રો કરણ અને જીત અને ભત્રીજા પ્રણવ અને સાગર - કુટુંબ ટ્રસ્ટના સમાન લાભાર્થી બનશે.
હિસ્સો ગોપનીય કરાર દ્વારા આપવામાં આવશે
આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે એક ગોપનીય કરાર જૂથની કંપનીઓમાં હિસ્સો વારસદારોને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ કરશે. આ મામલે ન્યૂઝ એજન્સી રોયટર્સે અદાણી ગ્રુપ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને તાત્કાલિક અસરથી જવાબ મળ્યો નહોતો.
અદાણી ગ્રુપમાં હાલમાં કોણ કયું પદ ધરાવે છે?
અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે તેમના નાના પુત્ર જીત અદાણી અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે. વેબસાઈટ અનુસાર, પ્રણવ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે અને સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
કોણ બનશે અદાણી ગ્રુપના ચેરમેન?
કરણ અને પ્રણવને ચેરમેન બનવા માટે સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "વ્યવસાયના સારા સંચાલન માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેં આ વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે કારણ કે પરિવર્તન ઓર્ગેનિક, ક્રમિક અને ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ."
મુશ્કેલીના સમયમાં આખો પરિવાર સાથે મળીને નિર્ણય લેશે
અદાણીના બાળકોએ જણાવ્યું કે જ્યારે ગૌતમ અદાણી તેમનું પદ છોડશે, સંકટ કે કોઈ મોટી વ્યૂહાત્મક પરિસ્થિતિમાં, સમગ્ર પરિવાર સાથે મળીને નિર્ણય લેવાનું ચાલુ રાખશે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બમણા કરતાં વધુ નફો નોંધાવ્યો છે.








