ચાંદી બે લાખ રૂપિયે પહોંચશે, આ પરિબળો કરશે મદદ
કેડિયા એડવાઇઝરીના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે 2025નું વર્ષ ચાંદી માટે મહત્વપૂર્ણ બની રહ્યું છ

કેડિયા એડવાઇઝરીના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે 2025નું વર્ષ ચાંદી માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ વર્ષે ચાંદીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. ચાંદીના ભાવની તેજીમાં એક સાથે ઘણાં પરિબળો કામ કરી રહ્યા છે. ઓછા પુરવઠા અને એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ દ્વારા ભારે ખરીદીને કારણે માંગમાં વધારો થયો.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમેરિકાએ ચાંદીને મહત્ત્વપૂર્ણ ખનીજના લિસ્ટમાં નાંખી દીધી છે. આનાથી ભવિષ્યમાં ચાંદી પર આયાત ટેરિફ અથવા અન્ય નિયંત્રણો લાદવામાં આવી શકે છે તેવી આશંકા વધી ગઈ. પરિણામે, રોકાણકારો અને ઉદ્યોગોએ ઝડપથી ચાંદી ખરીદવાનું શરૂ કર્યું. તે જ સમયે, વિશ્વ ચાંદીના ભંડારમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.
શાંઘાઈમાં સ્ટોક 10 વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. લંડનમાં ચાંદીના ભંડારમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. યુએસ કોમેક્સ એક્સચેન્જમાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં ચાંદી પાછી ખેંચી લેવામાં આવી છે, જેનાથી બજારમાં ઉપલબ્ધ ચાંદીની અછત વધુ વધી ગઈ છે.
દુનિયાના સૌથી મોટા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસએલવીએ આ સપ્તાહે 324 ટન ચાંદી ખરીદી છે. આ ઘણા મહિનાઓમાં સૌથી મોટી ખરીદી છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટા રોકાણકારો ચાંદીમાં વધુ ફાયદાની અપેક્ષા રાખી રહ્યા છે.
ચાર્ટ સૂચવે છે કે ચાંદી રૂ. 2 લાખની નજીક પહોંચી શકે છે.
કેડિયા એડવાઈઝરીના મતે, ચાંદીએ ટેકનિકલ ચાર્ટ પર એક મહત્વપૂર્ણ કપ અને હેન્ડલ પેટર્ન બનાવી છે, જેને લાંબા ગાળાના તેજીનો સંકેત માનવામાં આવે છે. ચાંદીએ રૂ. 1,73,965ના નિર્ણાયક સ્તરને પાર કરી દીધું છે. આ સ્તર ઘણા મહિનાઓથી એક મોટો પ્રતિકાર રહ્યો છે. આ સ્તરથી ઉપર રહેવાનો અર્થ એ છે કે ચાંદીના ભાવ રૂ. 1,93,800 સુધી વધી શકે છે. જો બજારની સ્થિતિ સમાન રહેશે, તો ભાવ રૂ. 2,06,000 સુધી પણ પહોંચી શકે છે.
ટેકનિકલ સૂચકાંકો પણ તેજીના વલણ તરફ ઈશારો કરી રહ્યા છે. MACD શૂન્ય રેખાથી ઉપર છે, જે મજબૂત ગતિ દર્શાવે છે. RSI થોડો ઊંચો છે, પરંતુ મજબૂત તેજીના સમયગાળા દરમિયાન આ સામાન્ય છે.
શું આ ચાંદીની તેજી ચાલુ રહેશે?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ચાંદીની કિંમત રૂ. 1,73,965ની સપાટીની ઉપર છેે ત્યા સુધી તેજીનું વલણ જળવાઇ રહેશે. વૈશ્વિક પુરવઠાની અછત, રોકાણકારોનો વધતો રસ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા ભારે ખરીદી અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ 2025માં ચાંદીને 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની નજીક લઈ જઈ શકે છે.
ઔદ્યોગિક વપરાશમાં વધારો થતાં ચાંદીનો વેગ ધીમો પડવાની શક્યતા નથી.
કોમોડિટી નિષ્ણાત અનુજ ગુપ્તાના મત પ્રમાણે ચાંદીના ભાવ લાંબા સમયથી એટલા માટે વધી રહ્યા છે, કારણ કે, તેની ઔદ્યોગિક માગ ખૂબ વધી રહી છે. ચાંદીનો ઉપયોગ હવે વિવિધ નવી ટેકનોલોજી અને મશીનરીમાં વધુને વધુ થઈ રહ્યો છે, તેથી તેનો વપરાશ પહેલા કરતા વધુ છે. છેલ્લા 10 વર્ષોમાં આ માંગમાં સતત વધારો થયો છે.
અનુજ ગુપ્તાના કહેવા પ્રમાણે ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા છે. તેમનું માનવું છે કે ચાંદીમાં તેજી હજુ ચાલુ રહી શકે છે. તેમનો અંદાજ છે કે 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ ઔંસ દીઠ $80 થી $100 સુધી પહોંચી શકે છે. ભારતીય બજારમાં, આનો અર્થ પ્રતિ કિલોગ્રામ આશરે રૂ. 1,90,000 થી રૂ. 2,00,000 થાય છે.








