Business: નવેમ્બરમાં GST કલેક્શન ઘટ્યું! વર્ષની સૌથી નીચલી સપાટીએ નોંધાયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, 2025માં ઘટીને 1.70 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં 0.7%ની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.
નવેમ્બર, 2025માં કુલ જીએસટી કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં 1.69 લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, 2025માં જીએસટી કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું.
GSTનાં 4 દરોને ઘટાડીને 2 જ કરાયા
ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે 22 સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.
હવે ફક્ત પાંચ અને 18 એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ 5,12,18 અને 28 હતાં. લક્ઝરી વસ્તુઓ પર 40%નો અલગ દર રાખવામાં આવ્યો છે.
22 સપ્ટેમ્બર, 2025થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.
GST કલેક્શનની ગણતરીમાં સેસનો સમાવેશ નહિ
સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.
નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે 17,18 અને 8%ની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે 17 અને 18%નો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

