5 વર્ષની રાહનો અંત! આ વિદેશી કંપનીએ ખરીદી લીધી ભારતની સરકારી બેંક! ₹53,000 કરોડની ડીલથી દિલ્હી સુધી હલચલ!

છેલ્લા લગભગ 5 વર્ષથી આ સરકારી બેંકને ખાનગી હાથોમાં સોંપવાની કવાયત ચાલી રહી હતી, પરંતુ દરેક વખતે કોઈને કોઈ કારણસર મામલો અટકી જતો હતો. હવે આખરે IDBI બેંકના ખાનગીકરણ અને વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) સંયુક્ત રીતે બેંકમાં પોતાની 60.72% હિસ્સેદારી વેચવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે. આ ખરીદારોની રેસમાં કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ (Fairfax Financial Holdings) સૌથી આગળ ચાલી રહી છે, જેણે લગભગ ₹53,000 કરોડના વેલ્યુએશનની સુધારેલી ઓફર રજૂ કરી છે.
કેનેડિયન કંપનીએ લગાવી સૌથી મોટી બોલી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે આ સોદાની સત્તાવાર જાહેરાતના યોગ્ય સમય પર વિચાર કરી રહી છે. શરૂઆતના તબક્કામાં કેટલીક અડચણો ઊભી થઈ હતી, કારણ કે શરૂઆતી બોલીઓ સરકારના રિઝર્વ પ્રાઇસ (Reserve Price) કરતાં ઓછી હતી. આથી સરકારે બિડર્સને પોતાની ઓફર રિવાઇઝ કરવાની તક આપી હતી. અહેવાલો અનુસાર, ફેરફેક્સ કંપનીએ પોતાની બોલીમાં સુધારો કર્યો છે, જે હાલમાં આશરે ₹81 પ્રતિ શેર આસપાસ મનાઈ રહી છે. આ દર અનુસાર 60.72% હિસ્સાનું કુલ મૂલ્યાંકન આશરે ₹53,000 કરોડ આંકવામાં આવી રહ્યું છે. આ રોકાણ અંતર્ગત સરકાર પોતાનો 30.48 ટકા હિસ્સો વેચી રહી છે જ્યારે એલઆઈસી પોતાનો 30.24 ટકા હિસ્સો વેચી રહી છે.
2021થી અટવાયેલી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં
IDBI બેંકના પ્રાઇવેટાઇઝેશનની સત્તાવાર પ્રક્રિયા વર્ષ 2021માં શરૂ કરવામાં આવી હતી. નિયમનકારી મંજૂરીઓ અને પ્રક્રિયાગત કારણોસર આ ડીલમાં વારંવાર વિલંબ થતો રહ્યો હતો. જોકે, ફેરફેક્સ તરફથી મળેલી સુધારેલી બોલી અને સતત રસ દાખવવાથી સ્પષ્ટ થાય છે કે આ વિનિવેશ પ્રક્રિયા હવે સાચી દિશામાં આગળ વધી રહી છે. હાલ સરકાર એ ચકાસણી કરી રહી છે કે ફેરફેક્સની સુધારેલી ઓફર બેંકના યોગ્ય મૂલ્યાંકન સાથે સુસંગત છે કે નહીં. તમામ કાયદાકીય અને નાણાકીય પાસાઓની તપાસ પૂર્ણ થતાં જ સત્તાવાર જાહેરાતની તારીખ જાહેર કરવામાં આવશે.
શેરબજારમાં ભારે હલચલ
ખાનગીકરણના આ મોટા સમાચારને પગલે શેરબજારમાં IDBI બેંકના શેરમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અગાઉ મંગળવારે શેર 10%થી વધુ તૂટ્યો હતો, જ્યારે બુધવારે નજીવા ઘટાડા સાથે શેર ₹81 આસપાસ બંધ રહ્યો હતો. હવે રોકાણકારો અને ગ્રાહકો બંનેની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.

