વોર્ડ મેમ્બરથી લઇને રાષ્ટ્રપતિ સુધીની 280 ચૂંટણી લડી ચૂકેલા 'ધરતીપકડ' નું 97 વર્ષની વયે નિધન, ચૂંટણીઓ લડીને દેશભરમાં અનોખો રેકોર્ડ બનાવ્યો

નગર નિગમના વોર્ડ મેમ્બરથી લઈને દેશના રાષ્ટ્રપતિ પદ સુધીની કુલ 280 ચૂંટણીઓ લડીને દેશભરમાં અનોખો રેકોર્ડ બનાવનારા નાગરમલ બાજોરિયા ઉર્ફે 'ધરતીપકડ'નું 97 વર્ષની વયે નિધન થયું છે. પટનાની PMCH હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે મોડી રાત્રે ભાગલપુરના પવિત્ર બરારી ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
રાજકીય દિગ્ગજો સામે લડ્યા ચૂંટણી
નાગરમલ બાજોરિયાએ દેશના અનેક રાજકીય દિગ્ગજો સામે ઉમેદવારી નોંધાવીને ભારે ચર્ચા જગાવી હતી. તેમણે રાયબરેલીથી ઈન્દિરા ગાંધી, અમેઠીથી રાજીવ ગાંધી ઉપરાંત સંજય ગાંધી, અટલ બિહારી વાજપેયી અને એલ.કે.અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ સામે ચૂંટણી લડી હતી.વર્ષ 1969 માં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમેદવાર વી.વી. ગિરી સામે અને 2012 માં પ્રણવ મુખર્જી સામે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જોકે 2012 માં તેમનું ફોર્મ રદ થયું હતું. તેમણે પોતાની છેલ્લી ચૂંટણી 2019 માં લડી હતી.
પાકિસ્તાનના લાહોરમાં જન્મ, વેપાર અને સમાજસેવા
નાગરમલ બાજોરિયાનો જન્મ 1930 માં અવિભાજિત પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. ભારતની આઝાદી પહેલા જ તેમનો પરિવાર ભાગલપુરમાં આવીને વસી ગયો હતો. તેમણે જીવનભર મણિહારી (કાચની બંગડીઓ અને શણગારની સામગ્રી)નો વેપાર કર્યો હતો. વેપારની સાથે તેઓ કન્યા વિવાહ, ગરીબ મહિલાઓની સેવા અને બાળકોના શિક્ષણ જેવા સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહ્યા હતા.

