મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમ્સની યાદીમાં 'બિહાર મ્યુઝિયમ'નો ડંકો! આનંદ મહિન્દ્રાએ કર્યા મુક્તકંઠે વખાણ

દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમ્સની યાદીમાં 'બિહાર મ્યુઝિયમ'નો ડંકો! આનંદ મહિન્દ્રાએ કર્યા મુક્તકંઠે વખાણ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પટનામાં આવેલા 'બિહાર મ્યુઝિયમ' ના મુક્તકંઠે વખાણ કર્યા છે. આ મ્યુઝિયમને વૈશ્વિક સ્તરે ૯મું સ્થાન અને એશિયામાં સર્વશ્રેષ્ઠ (૧લું સ્થાન) રેન્કિંગ મળ્યું છે.

આ પ્રતિષ્ઠિત સિદ્ધિને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવતા આનંદ મહિન્દ્રાએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આ વૈશ્વિક ઓળખની એક ઐતિહાસિક ક્ષણ છે." "પટનાના બિહાર મ્યુઝિયમને વૈશ્વિક સ્તરે ૯મું અને એશિયામાં શ્રેષ્ઠ સ્થાન મળવું એ ખરેખર અદ્ભુત છે." આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, આ માન્યતાનો સૌથી મોટો ફાયદો ભારતીય મ્યુઝિયમ-પ્રેમીઓને થશે, જેઓ લાંબા સમયથી વિદેશ જેવા જ શ્રેષ્ઠ અનુભવના હકદાર હતા.

 ભારતમાં મ્યુઝિયમ સંસ્કૃતિ માટે 'ગેમ ચેન્જર'

મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, આ માન્યતા ભારતમાં લોકોના મ્યુઝિયમ જોવાના અનુભવ પર વ્યાપક અસર કરી શકે છે. તેમણે લખ્યું, "આ રેન્કિંગ ભારતમાં મ્યુઝિયમ સંસ્કૃતિ માટે એક 'ગેમ ચેન્જર' સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે તે દેશમાં હાલમાં અસ્તિત્વ ધરાવતા અને ભવિષ્યમાં બનનારા દરેક મ્યુઝિયમ માટે ગુણવત્તાનું સ્તર ઘણું ઊંચું લઈ જશે. આ એક નવું 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' (શ્રેષ્ઠ માપદંડ) છે."

પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના વિઝનને આપ્યો શ્રેય

આનંદ મહિન્દ્રાએ બિહાર મ્યુઝિયમ પાછળની સફર પર પણ પ્રકાશ પાડ્યો હતો અને આ પ્રોજેક્ટ માટે પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, "જે બાબત આ સિદ્ધિને વધુ અસાધારણ બનાવે છે, તે તેની પાછળની વાર્તા છે. પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી અને તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને બિહાર સરકાર અને સમર્પિત વહીવટકર્તાઓના સતત પ્રયાસો દ્વારા સાકાર કરવામાં આવ્યો છે."

તેમણે આ મ્યુઝિયમને "દૂરદર્શિતા, વહીવટી સંકલ્પ અને વૈશ્વિક કક્ષાના સર્જનાત્મક સહયોગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ" ગણાવ્યું હતું.

ભારતમાં મ્યુઝિયમ ક્રાંતિની આશા

તેમણે ઉમેર્યું કે આ રેન્કિંગનો સૌથી મોટો ફાયદો સામાન્ય ભારતીય જનતાને થશે. ભારતના લોકો લાંબા સમયથી એવા જ મ્યુઝિયમ અનુભવના હકદાર હતા, જેના માટે તેઓ વિદેશ પ્રવાસ દરમિયાન લાંબી લાઈનોમાં ઉભા રહે છે.
પોતાની પોસ્ટના અંતમાં તેમણે મ્યુઝિયમને સાકાર કરવામાં મદદ કરનાર દરેક વ્યક્તિને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે, "આશા રાખીએ કે આ ભારતમાં મ્યુઝિયમ ક્ષેત્રે એક નવા પુનરુત્થાનની શરૂઆત હોય..."

આ સમાચાર શેર કરો