ભારતમાં 1 કરોડથી વધુ કમાતા કેટલા લોકો? Income Tax Dataમાં મોટો ખુલાસો

ભારતમાં અમીરોની સંખ્યા અને તેમની કમાણી બંને ઝડપથી વધી રહી હોવાનું અનેક અહેવાલોમાં સામે આવ્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની લગભગ 140 કરોડની વસ્તીમાં કેટલા લોકોને વાર્ષિક 1 કરોડ રૂપિયા કે તેથી વધુની આવક થાય છે? આવકવેરા વિભાગના સત્તાવાર આંકડા આ અંગેની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે.
આવકવેરા વિભાગના ડેટા અનુસાર, 31 માર્ચ 2025 સુધીમાં વાર્ષિક 1 કરોડ રૂપિયા કે તેથી વધુની આવક જાહેર કરનારા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા માત્ર 3.24 લાખ નોંધાઈ હતી. પ્રથમ નજરે આ આંકડો ભારતની કુલ વસ્તીની સરખામણીએ ઘણો નાનો લાગી શકે છે. જોકે, છેલ્લાં 10 વર્ષના આંકડા પર નજર કરીએ તો 1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકોનું ગણિત સમજો
આવકવેરા વિભાગના આંકડા અનુસાર, 31 માર્ચ 2025 સુધીમાં દેશમાં કુલ 9.19 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યાં હતાં. આ રિટર્ન 14.1 કરોડ નોંધાયેલા વપરાશકર્તાઓમાંથી ફાઇલ કરવામાં આવ્યાં હતાં.
બીજી તરફ, 3.24 લાખ વ્યક્તિગત કરદાતાઓમાંથી 2.97 લાખ લોકો એવા હતા, જેમની વાર્ષિક આવક 1 કરોડથી 5 કરોડ રૂપિયાની વચ્ચે હતી. આ આવકવર્ગમાં આવતા કરદાતાઓમાંથી 53 ટકા લોકો પગારદાર હતા.
આ ઉપરાંત, 16,797 વ્યક્તિગત કરદાતાઓ 5 કરોડથી 10 કરોડ રૂપિયાની આવક ધરાવતા વર્ગમાં સામેલ હતા. જ્યારે 10,184 વ્યક્તિગત કરદાતાઓએ 10 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવક જાહેર કરી હતી.
જો વ્યક્તિગત કરદાતાઓની સાથે કંપનીઓ, પેઢીઓ, ટ્રસ્ટ, હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અને સરકારી સંસ્થાઓને પણ ગણતરીમાં સામેલ કરવામાં આવે, તો 1 કરોડ રૂપિયાથી વધુની આવક જાહેર કરનારા કુલ રિટર્નની સંખ્યા 4.68 લાખ સુધી પહોંચી જાય છે.
10 વર્ષમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં કેટલો વધારો થયો?
આવકવેરા વિભાગ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં આપવામાં આવેલા આંકડા અનુસાર, 2013-14થી 2025 સુધીના એક દાયકામાં કરદાતાઓના આંકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આકારણી વર્ષ 2013-14માં માત્ર 44,078 લોકો એવા હતા, જેમની કરપાત્ર આવક 1 કરોડ રૂપિયાથી વધુ હતી. છેલ્લાં 10 વર્ષમાં આ સંખ્યા લગભગ પાંચ ગણી વધી છે.
આ જ સમયગાળા દરમિયાન આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી હતી. વર્ષ 2013-14માં આ સંખ્યા 3.3 કરોડ હતી, જે વધીને 2023-24માં 7.54 કરોડ થઈ હતી.
અહેવાલ અનુસાર, 50 લાખથી 1 કરોડ રૂપિયાની આવક ધરાવતા વર્ગમાં પણ છેલ્લા 10 વર્ષમાં 440 ટકાનો મોટો વધારો નોંધાયો હતો. આ સંખ્યા 2013-14માં 1.9 લાખ હતી, જે વધીને 5.82 લાખ થઈ હતી. તેવી જ રીતે, 20 લાખથી 50 લાખ રૂપિયાની આવક ધરાવતા વર્ગમાં 526.5 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
સુપર રિચ અને પગારદાર વર્ગના આંકડા
આકારણી વર્ષ 2023-24માં 23 વ્યક્તિગત કરદાતાઓ એવા હતા, જેમણે પોતાની વાર્ષિક આવક 500 કરોડ રૂપિયાથી વધુ જાહેર કરી હતી. બીજી તરફ, 100 કરોડથી 500 કરોડ રૂપિયાની આવક ધરાવતા 263 કરદાતાઓમાંથી માત્ર 19 લોકો પગારદાર હતા. આ આંકડો દર્શાવે છે કે આટલી ઊંચી આવક ધરાવતા વર્ગમાં પગારદાર લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ ઉપરાંત, 10 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા પગારદાર કરદાતાઓની સંખ્યામાં 4.7 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો.











