સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો! જાણો કઈ કંપનીના શેર પર પડી વધુ અસર
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાબતે સર્જાયેલી અનિશ્ચિતત

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાબતે સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધી ચાલુ રહેતા રોકાણકારોમાં ફેલાયેલા ડરને કારણે સ્થાનિક બજારની શરૂઆત નબળી રહી હતી, જેમાં સેન્સેક્સ 253 પોઈન્ટના ઘટાડા સાથે 79,019 પર અને નિફ્ટી 105 પોઈન્ટ તૂટીને 24,470ના સ્તરે ખૂલ્યો હતો. આ સાથે જ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ 21 પૈસા નબળો પડીને 93.71 પર પહોંચ્યો છે. બજાર ખૂલતાની સાથે જ ખાસ કરીને IT સેક્ટરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેમાં HCL Tech સૌથી વધુ 8.62% તૂટીને ₹1317 પર આવી ગયો હતો. આ ઉપરાંત Tech Mahindraમાં 4.32%, Infosysમાં 2.79% અને TCSમાં 1.48%નો ઘટાડો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.
આજના વૈશ્વિક સંકેતો:
એશિયન બજારો: બુધવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કેઈ 225 0.20% વધ્યો, જ્યારે ટોપિક્સ 0.62% ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.03% ઘટ્યો. હોંગકોંગનું બજાર પણ નબળી શરૂઆતના સંકેત આપી રહ્યું છે.
GIFT નિફ્ટી: ગિફ્ટ નિફ્ટી લગભગ 24,421ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો, જે ગત બંધથી આશરે 160 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. આ સ્પષ્ટ સંકેત હતો કે ભારતીય બજારની શરૂઆત નકારાત્મક રહેશે.
વોલ સ્ટ્રીટ (અમેરિકી બજાર): અમેરિકી બજારો મંગળવારે ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 292 પોઈન્ટ તૂટીને 49,149 પર બંધ થયો, જ્યારે S&P 500 45 પોઈન્ટ ઘટીને 7,064 પર અને નાસ્ડેક 24,259 પર બંધ રહ્યો.
બજાર માટે જોખમી પરિબળો:
અમેરિકા-ઈરાન તણાવ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાના સંકેત આપ્યા છે, પરંતુ હોર્મુઝની નાકેબંધી હજુ ચાલુ છે. શાંતિ વાર્તામાં વિલંબ બજાર માટે મોટું જોખમ છે.
ક્રૂડ ઓઈલ અને ડોલર: કાચા તેલની કિંમતોમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ અસ્થિરતા યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 98 ડોલર ની આસપાસ છે. ડોલર ઈન્ડેક્સ એક સપ્તાહના ઉચ્ચ સ્તરે હોવાથી ઉભરતા બજારો પર દબાણ વધી શકે છે.








