સરકારની તિજોરી છલકાઇ, ટેક્સ વસૂલ કરીને થઈ આટલા કરોડની આવક
છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા અને ITR ખૂબ ચર્ચાનો વિષય રહ્યા છે. ITR ફાઇલ કરવાની અંતિમ તા

છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા અને ITR ખૂબ ચર્ચાનો વિષય રહ્યા છે. ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, ત્યારે કરદાતાઓ હવે રિફંડની ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન આવકવેરામાંથી સરકારની આવક અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સરકારી ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 9 ટકાથી વધુનો વધારો થયો છે, જેનાથી કુલ આવક આશરે 11 લાખ કરોડ થઈ છે. અહેવાલો અનુસાર, કર વસૂલાતમાં આ વધારો એડવાન્સ ટેક્સમાં વધારો અને રિફંડમાં ઘટાડો આવવાથી થયો છે. અહીં જાણો કે સરકાર તરફથી કયાં પ્રકારના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા કર વસૂલાતના આંકડા
ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં તે 9.18 ટકા વધીને 10.82 લાખ કરોડથી વધુ થઈ ગયો છે.
કંપનીઓ પાસેથી એડવાન્સ ટેક્સ વસૂલાતમાં વધારો અને ધીમા રિફંડને કારણે કર વસૂલાતમાં વધારો થયો છે. નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વ્યક્તિગત આવકવેરો અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.
ચાલુ નાણાકીય વર્ષમાં રિફંડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડેટા અનુસાર, 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર દરમિયાન રિફંડ 24 ટકા ઘટીને 1.61 લાખ કરોડ થયું છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન કંપનીઓ પાસેથી એડવાન્સ ટેક્સ વસૂલાત 6.11 ટકા વધીને 3.52 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે.
તેનાથી વિપરીત, નોન-કોર્પોરેટ એડવાન્સ ટેક્સ વસૂલાતમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ડેટા અનુસાર, નોન-કોર્પોરેટ એડવાન્સ ટેક્સ વસૂલાત 7.30 ટકા ઘટીને 96,784 કરોડ થઈ ગઈ છે.
1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર દરમિયાન, નેટ કોર્પોરેટ ટેક્સ વસૂલાત વધીને 4.72 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. 2024ના સમાન સમયગાળામાં આ 4.50 લાખ કરોડ હતી.
આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન આશરે 5.84 લાખ કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.13 લાખ કરોડ હતું. આમાં વ્યક્તિઓ અને HUF (હિન્દુ અવિભાજિત પરિવારો)નો સમાવેશ થાય છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) કલેક્શન 26,306 કરોડ રહ્યું છે, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 26,154 કરોડ હતું.
17 સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 9.18 ટકા વધીને 10.82 લાખ કરોડ થઈ, જે એક વર્ષ અગાઉના 9.91 લાખ કરોડ હતી.
રિફંડ એજડસ્ટ કરતા પહેલા ગ્રૉસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધીમાં 12.43 લાખ કરોડથી વધુ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 3.39 વધુ છે.
સરકારનો કર વસૂલાતનો લક્ષ્યાંક શું છે?
સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ઊંચો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકારનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025-26માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 25.20 લાખ કરોડ રહેશે, જે ગયા વર્ષ કરતાં 12.7 ટકા વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં STT દ્વારા 78,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે.








