મુખ્ય સામગ્રી પર જાઓ

પેટ્રોલ પર ટેક્સ હટાવ્યો, ડીઝલ મોંઘું કર્યું! સરકારે અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?

પેટ્રોલ પર ટેક્સ હટાવ્યો, ડીઝલ મોંઘું કર્યું! સરકારે અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોને લઈને મોટો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે પેટ્રોલની નિકાસ (Export) પર લાગતી વિન્ડફોલ ટેક્સ (Windfall Tax) ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરી દીધી છે. બીજી તરફ ડીઝલ અને વિમાનમાં વપરાતા હવાઈ ઈંધણ (ATF) પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2026થી લાગુ થયેલા નવા દર આગામી બે અઠવાડિયા સુધી અમલી રહેશે.

પેટ્રોલની નિકાસ પર ટેક્સ શૂન્ય

નાણાં મંત્રાલયના 31 ઓક્ટોબરના નોટિફિકેશન અનુસાર, પેટ્રોલની નિકાસ પર લાગતી ₹2.50 પ્રતિ લિટરની એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ નિર્ણય વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને પશ્ચિમ એશિયા (West Asia)માં વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે.

ડીઝલ અને ATF પર ટેક્સમાં વધારો

સરકારે ડીઝલની નિકાસ પર લાગતી કુલ ડ્યૂટી ₹8.50થી વધારીને ₹11.50 પ્રતિ લિટર કરી છે. એટલે કે પ્રતિ લિટર ₹3નો વધારો થયો છે. જ્યારે હવાઈ ઈંધણ (Aviation Turbine Fuel) પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી ₹10.50થી વધારીને ₹11 પ્રતિ લિટર કરવામાં આવી છે.

સામાન્ય ગ્રાહકોને સીધી રાહત નહીં

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર માત્ર નિકાસ કરવામાં આવતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર લાગુ પડશે. દેશમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલની હાલની ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી આ નિર્ણયથી પેટ્રોલ પંપ પર ગ્રાહકોને સીધી કિંમતમાં રાહત મળવાની નથી.

વિન્ડફોલ ટેક્સનો હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં અસાધારણ નફો મેળવનારી કંપનીઓ પર વધારાનો કર લગાવવાનો છે. સરકાર દર બે અઠવાડિયે વૈશ્વિક ભાવ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ દરોની સમીક્ષા કરે છે.

આ સમાચાર શેર કરો