E20 પેટ્રોલ સામેનો વિરોધ પૈસા આપીને કરાવાયેલું ષડયંત્ર હતું: નીતિન ગડકરીનો નવો દાવો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) સામે થઈ રહેલા વિરોધ અંગે મોટો દાવો કર્યો છે. મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે E20 પેટ્રોલ સામે સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોમાં ચાલી રહેલો વિરોધ સ્વાભાવિક નથી, પરંતુ પૈસા આપીને ચલાવવામાં આવેલું ‘પેઇડ કેમ્પેઇન’ છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડીને દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવું ભારત માટે અત્યંત જરૂરી છે. ગડકરીએ દેશના રાષ્ટ્રીય રાજમાર્ગોની સ્થિતિ અંગે પણ આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં તમામ નેશનલ હાઈવેની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. રસ્તાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઇથેનોલ મિશ્રણ 20 ટકાથી આગળ વધારવાની હાલ કોઈ યોજના નથી: હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ઇથેનોલ મિશ્રણ અંગે સ્પષ્ટતા કરી છે. ગોવામાં તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની મર્યાદા 20 ટકાથી આગળ વધારવાની સરકારની હાલ કોઈ યોજના નથી. પુરીએ બાયોફ્યુઅલ અંગે ફેલાવવામાં આવી રહેલી નકારાત્મક વાતોને આયોજનબદ્ધ ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ વિદેશી ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો અને દેશની વેપાર ખાધ ઓછી કરવાનો છે.
E20 પેટ્રોલ સામે વિવાદ કેમ થયો?
E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. આ ઇંધણના ઉપયોગને લઈને ત્યારે વિવાદ ઊભો થયો હતો, જ્યારે કેટલાક વાહનચાલકોએ માઇલેજ ઘટવાની અને જૂનાં વાહનોના એન્જિન પર પ્રતિકૂળ અસર થવાની ફરિયાદો કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર, જૂનાં વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં આશરે 3થી 5 ટકા સુધીનો ફેરફાર થઈ શકે છે. જોકે, એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને સમર્થન આપતા પુરાવા મળ્યા ન હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. સરકાર E20 નીતિને પ્રદૂષણ ઘટાડવા, ક્રૂડ ઓઇલની આયાત પરનો ખર્ચ ઓછો કરવા અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહી છે. બીજી તરફ, વાહનચાલકો દ્વારા ઉઠાવવામાં આવેલી માઇલેજ અને વાહનોની સુસંગતતા સંબંધિત ચિંતાઓને કારણે આ મુદ્દે ચર્ચા ચાલુ છે.







