RBIએ બેલેન્સ ચાર્જ મુદ્દે બે મોટી બેન્ક પર કરી કાર્યવાહી, શું તમારી બેન્ક પણ વસૂલી રહી છે તો કરો ફરિયાદ
યસ બેન્કે તેના ગ્રાહકોના બચત ખાતામાં બેલેન્સ ન જાળવવા બદલ ચાર્જ વસૂ

યસ બેન્કે તેના ગ્રાહકોના બચત ખાતામાં બેલેન્સ ન જાળવવા બદલ ચાર્જ વસૂલતાં આરબીઆઈએ રૂ. 91 લાખની પેનલ્ટી ફટકારી છે. બેન્કે આરબીઆઈની ગાઈડલાઈન્સની વિરૂદ્ધમાં કેટલાક ખાતાઓ પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ચાર્જ વસૂલ્યો હતો. આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં નવા સર્ક્યુલરમાં નિર્દેશ કર્યો હતો કે, કોઈપણ બેન્ક ખાતામાં (ઈનઓપરેટિવ એકાઉન્ટ) મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ પેનલ્ટી વસૂલી શકે નહીં. તે અયોગ્ય છે. જેણે બે વર્ષથી વધુ સમય સુધી પોતાનું બેન્ક ખાતામાં જરૂરી મિનિમમ બેલેન્સ જાળવ્યું ન હોય તો પણ તેની પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થયો છે.
આઈસીઆઈસીઆઈ બેન્કને પણ પેનલ્ટી
RBIએ 27 મેના રોજ યસ બેન્ક અને ICICI બેન્ક પર પેનલ્ટી લગાવી હતી. આ દંડ નિયમનકારી સૂચનાઓનું પાલન ન કરવાને કારણે કરવામાં આવ્યો છે. ICICI બેન્કને રૂ. 1 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ બંને બેન્કોને બેન્કિંગ એક્ટ 1949ની કલમ 46 (4) (i) અને કલમ 47A (1) (સી) હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પેનલ્ટી લાદવામાં આવી છે. જેઓએ ગ્રાહક સેવા અને આંતરિક કાર્યાલય ખાતાના અધિકૃત સંચાલનના નિયમોની અવગણના કરી છે.
તમારી બેન્ક બેલેન્સ ચાર્જ વસૂલે છે કે નહીં તેની તપાસ કરો
જો તમારી બેન્ક પણ ખાતામાં જરૂરી રકમ ન જાળવવા બદલ આ પ્રકારનો ચાર્જ વસૂલી રહી હોય તો તમે આરબીઆઈને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. અપૂરતા અથવા શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતાઓ પર ચાર્જ અગાઉ વસૂલાતો હતો. પરંતુ આરબીઆઈએ 1 એપ્રિલથી આ પ્રકારનો ચાર્જ ન વસૂલવા આદેશ આપ્યો છે.
શું બેન્કના ગ્રાહકો પર અસર થશે
બેન્કો દ્વારા નિયમોની અવગણના કરવા સામે રિઝર્વ બેંકે આ કાર્યવાહી કરી છે. પેનલ્ટીની બેન્કના ખાતાધારકોને કોઈ અસર થશે નહીં. રિઝર્વ બેન્કે બેન્કો સામે આ કાર્યવાહી કરી છે, જેની બેન્કોના કામકાજ પર અસર થશે નહીં. ગ્રાહકો પહેલાની જેમ જ બેન્ક સાથે કામગીરી ચાલુ રાખી શકશે. બેન્કો સામે લેવામાં આવેલી આ કાર્યવાહીથી ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.






