Ola-Uber યુઝરના મોબાઈલ મોડલના આધારે કિંમત નક્કી કરતી હોવાનો આક્ષેપ, સરકારે ફટકારી નોટીસ
કેન્દ્ર સરકારે આઈફોન અને એન્ડ્રોઈડ યુઝર્સ પાસેથી અલગ-અલગ ભાડું વસૂલવા બદલ ઓલા અને ઉબરને

કેન્દ્ર સરકારે આઈફોન અને એન્ડ્રોઈડ યુઝર્સ પાસેથી અલગ-અલગ ભાડું વસૂલવા બદલ ઓલા અને ઉબરને નોટિસ ફટકારી છે. ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ આ અંગે જણાવ્યું હતું. અગાઉ ડિસેમ્બર, 2024માં કેન્દ્ર સરકારે આ મામલે અનેક ફરિયાદો મળતાં તપાસના આદેશ આપ્યા હતા.
અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, આ પ્લેટફોર્મ જુદા-જુદા પ્રકારના મોબાઈલ હેન્ડસેટ મારફત રાઈડ બુક કરવા પર અલગ-અલગ કિંમત વસૂલે છે. જેને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા ઓલા અને ઉબરને નોટિસ પાઠવવામાં આવી હતી. આ મામલે કંપનીઓ તરફથી હાલ કોઈ સ્પષ્ટતા મળી નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં GSRTCની બસ હવે હાઈવે પરની આ 27 હોટેલ પર નહીં ઉભી રહે, જાણો શું છે મામલો
સોશિયલ મીડિયા પર જાણકારી આપી
ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી કે, મોબાઈલના વિવિધ મોડલ (આઈફોન-એન્ડ્રોઈડ)ના આધારે આ કંપનીઓ રાઈડનું ભાડું નક્કી કરતી હોવાની જાણ થતાં ટોચની કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને નોટિસ પાઠવવામાં આવી છે. ગત મહિને મંત્રાલયે આ કંપનીઓને ડાર્ક પોલિસી અને ભાવમાં તફાવત મુદ્દે ટકોર કરતાં ચેતવણી આપી હતી કે, મંત્રાલય ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી ચલાવી લેશે નહીં. તેને તાત્કાલિક ધોરણે બંધ કરો.
ઉબરે આપી હતી સ્પષ્ટતા
છેલ્લા ઘણા મહિનાથી કિંમતમાં તફાવતની ફરિયાદો મળતાં ઉબરે ગત મહિને સ્પષ્ટતા આપી હતી કે, ‘બે રાઈડ વચ્ચે વિવિધ તફાવતોના કારણે કિંમતોમાં ફેરફાર જોવા મળે છે. પીક-અપ પોઈન્ટ, ઈટીએ,અને ડ્રોપ-ઓફ પોઈન્ટના આધારે ભાવમાં ફેરફાર જોવા મળે છે. ઉબર ક્યારેય પણ રાઈડરના સેલફોન મોડલના આધારે કિંમત વસૂલતી નથી.’
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ 2020માં CCPAની સ્થાપના થઈ હતી. જે ગ્રાહકોના અધિકારો, અયોગ્ય વેપાર નીતિઓ, અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સંબંધિત રેગ્યુલેટરી કેસોમાં દખલગીરી કરી ગ્રાહકોનું રક્ષણ કરે છે.








