ગુજરાતમાં GSRTCની બસ હવે હાઈવે પરની આ 27 હોટેલ પર નહીં ઉભી રહે, જાણો શું છે મામલો

ગુજરાતભરમાં દોડતી ST બસોના રૂટમાં હાઈવે પર આવેલી હોટેલો પર હોલ્ટ રાખવામાં આવતો હોય છે. જેમાં ઘણી હોટેલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસ્લિમ માલિકો સંચાલિત હિન્દુ નામ વાળી હોટેલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટેલોના લાયસન્સ રદ કરાયા અને હવે આ હોટેલો પર ST બસ ઉભી રહેશે નહી.
27 હોટેલોના પરવાના રદ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઈવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે. જેમાં લાંબી મુસાફરી કરતા લોકો સ્વખર્ચે ચા-નાસ્તા, ભોજન સહિતની સુવિધા હોટેલો પર મેળવી શકે. આ દરમિયાન રાજ્યના અમુક હાઈવે પર હિન્દુ નામ વાળી મુસ્લિમ માલિકો ધરાવતી 27 જેટલી હોટેલો સામે GSRTCએ કાર્યવાહી કરી છે. જેમાં આવી હોટેલોના GSRTCએ લાયસન્સ રદ કરીને હોટેલો પર બસ ઉભી ન રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો, આ શહેરોમાં પણ યોજાશે પ્રદર્શન
રાજ્યના વિવિધ વિસ્તારોના હાઈવે પર આવેલી હોટેલો પર બેફામ લૂંટ થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ગુજરાત એસટી નિગમે આવી હોટેલો સામે કાર્યવાહી કરીને તેની યાદી જાહેર કરી હતી. જેમાં રાજકોટ, ભુજ, વડોદરા ડિવિઝન, ભરૂચ વિભાગ, સુરત-અમદાવાદ હાઈવે પર સ્થિત હોટેલોના પરવાના રદ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ હોટેલો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની હોટેલો હોવાનું સામે આવ્યું છે.


