VIDEO: 'મારી પત્ની ખૂબ જ સુંદર, મને તેની સામે જોવું ગમે છે', 90 કલાકના કામ કરવાની ચર્ચા પર આનંદ મહિન્દ્રાનો જવાબ
L&Tના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનની અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની

L&Tના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનની અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સેલિબ્રિટીઝ સુધી, એસએન સુબ્રહ્મણ્યન પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે જાણીતા બેઝનેસમેન મહિન્દ્રા ગ્રુપના ચેરેમન આનંદ મહિન્દ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ કામની ક્વોલિટીમાં વિશ્વાસ રાખે છે, ન કે તેની ક્વોન્ટેટીમાં.
આનંદ મહિન્દ્રાએ એક સવાલના જવાબમાં કહ્યું કે, 'હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એટલા માટે નથી કે હું એકલો છું. મારી પત્ની ખુબ સુંદર છે, મને તેને જોવાનું પસંદ છે. હું સોશિયલ મીડિયા પર એટલા માટે છું, કારણ કે આ એક અદભુત બિઝનેસ ટૂલ છે.'
90 કલાક કામ કરવાની સલાહ આપનારા L&T ચેરમેન
જણાવી દઈએ કે, સુબ્રહ્મણ્યને વધુમાં વધુ સમય ઓફિસમાં કામ કરવાની વાત કરતા કહ્યું હતું કે, 'ઘર પર તમે કેટલો સમય પત્નીને જોતા રહેશે.'
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, 'હું નારાયણ મૂર્તિ અને અન્ય લોકોનું ખુબ સન્માન કરું છું. એટલા માટે મને ખોટો ન સમજવો જોઈએ. પરંતુ મારે કંઈક કહેવું છે, મને લાગે છે કે આ ચર્ચા ખોટી દિશામાં જઈ રહી છે. મારું કહેવું છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ન કે કામની ક્ષમતા પર. એટલા માટે આ 48, 40 કલાક, 70 કલાક કે 90 કલાક અંગે નથી.'
તેમણે કહ્યું કે, 'આ કામ આઉટપુટ પર નિર્ભર છે. જો 10 કલાક પણ કામ હોય તો તમે શું આઉટપુટ આપી રહ્યા છો? તમે 10 કલાકમાં દુનિયા બદલી શકો છો.'
તેમણે વધુમાં કહ્યું કે, 'મારું હંમેશાથી માનવું રહ્યું છે કે, કોઈ કંપનીમાં એવા લીડર અને લોકો હોવા જોઈએ જે સમજદારીથી નિર્ણય અને પસંદગી કરે.'
સોશિયલ મીડિયા પર સુબ્રમણ્યમની ટીકા
સોશિયલ મીડિયા પર આરપીજી એન્ટરપ્રાઈઝિસના ચેરમેન અને અબજપતિ હર્ષ ગોયનકાએ પણ પોસ્ટ કરી ટીખળ કરી હતી કે, 'આ પ્રકારના પગલાં સાથે નામ પણ બદલી દેવુ જોઈએ સન્ડેને "સન ડ્યુટી" કહેવુ જોઈએ.' બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ દિપિકા પાદુકોણે ઈન્સ્ટા સ્ટોરી પર સુબ્રમ્ણયમની ટીકા કરતાં લખ્યું કે, ‘મને જાણીને આઘાત લાગ્યો કે, આટલા ઊંચા પદ પર બેઠેલા સિનિયર લોકો આવા નિવેદન આપે છે. માનસિક સ્વાસ્થ્ય જેવી પણ કોઈ વસ્તુ છે.’ ટ્વિટર પર એક યુઝર્સે સુબ્રમણ્યમને પત્ર લખી ટીકા કરી હતી કે, 'લગ્નના બે-ત્રણ વર્ષ બાદ કોઈ પોતાની પત્નીને જોતું નથી. પણ હા અમારી પાસે ઘરે સાતથી આઠ નોકર-ચાકર નથી. અમારે ઘરે આવીને ઘરના કામ પણ કરવાના હોય છે.' અન્યએ કહ્યું કે, 'માણસ મશીન નથી. માનસિક સ્વાસ્થ્ય માટે આરામ અને પોતાના શોખ માટે પણ સમય ફાળવવો એટલો જ જરૂરી છે.'
કંપનીનો લૂલો બચાવ
એલએન્ડટી ચેરમેન સુબ્રમણ્યમની વર્ક કલ્ચર પર ટીપ્પણીની ચારેકોર ટીકાઓ થતાં કંપનીએ સ્પષ્ટતા આપી છે કે, 'અમારૂ વિઝન રાષ્ટ્ર નિર્માણનું છે. છેલ્લા આઠ દાયકાથી અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝેસ અને ટેક્નિકલ ક્ષમતાઓને આકાર આપી રહ્યા છીએ. અમારૂ માનવું છે કે, હાલ ભારતનો દસકો ચાલી રહ્યો છે, અને જેમાં ગ્રોથને વેગ આપવા તેમજ વિકસિત દેશ તરીકે ઉભરી આવવા સામૂહિક સમર્પણ અને પ્રયાસની આવશ્યકતા છે.'








