મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશ્વિક શેરબજારમાં મહાકડાકો! રોકાણકારોના ₹675 લાખ કરોડ સ્વાહા, ભારતને પણ મોટો ફટકો

વૈશ્વિક શેરબજારમાં મહાકડાકો! રોકાણકારોના ₹675 લાખ કરોડ સ્વાહા, ભારતને પણ મોટો ફટકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઓક્ટોબર મહિનો વૈશ્વિક નાણાકીય બજારો માટે કાળો મહિનો સાબિત થયો છે. વિશ્વભરના ટ્રેડિંગ ફ્લોર પરથી એકસાથે લિક્વિડિટી ખેંચાઈ જતાં રોકાણકારોની આશરે $7.12 ટ્રિલિયન (રૂપિયાના વર્તમાન દર મુજબ રૂ.675 લાખ કરોડ)ની સંપત્તિ પલકવારમાં સાફ થઈ ગઈ છે.

આ નુકસાન એટલું વિશાળ છે કે તે જાપાન ($4.2 ટ્રિલિયન) અને ભારત ($3.7 ટ્રિલિયન) જેવા બે મોટા અર્થતંત્રોના કુલ GDPના સરવાળા કરતાં પણ મોટું છે. સિલિકોન વેલીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં શરૂ થયેલું આ કરેક્શન જોતજોતામાં સમગ્ર એશિયા અને ઉભરતા બજારો સુધી ફેલાઈ ગયું છે.

વોલ સ્ટ્રીટમાં 2.15 ટ્રિલિયન ડોલરનો ટેક મેલ્ટડાઉન

આ કડાકાનું કેન્દ્રબિંદુ ન્યૂયોર્કનું વોલ સ્ટ્રીટ રહ્યું છે. ટેક શેરોથી ભરપૂર નાસ્ડેક કમ્પોઝિટ તૂટીને 25,592.48ના સ્તરે પહોંચી ગયો હતો, જેના પગલે એક જ મહિનામાં ટેક લિસ્ટિંગ્સમાંથી 2.15 ટ્રિલિયન ડોલર સાફ થઈ ગયા હતા. ટેક દિગ્ગજો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ કરાઈ રહેલા તોતિંગ કેપેક્સ સામે રોકાણકારોમાં આશંકા જાગી હતી, કારણ કે બેલેન્સ શીટ પર તે મુજબનું તાત્કાલિક મોનેટાઇઝેશન દેખાતું નહોતું.

આલ્ફાબેટને $500 બિલિયનનો ફટકો

ખર્ચની સરખામણીએ આવક ઓછી રહેતાં આલ્ફાબેટની માર્કેટ કેપમાં 500 બિલિયન ડોલરથી વધુનું ગાબડું પડ્યું. ત્યારબાદ એમેઝોન, મેટા અને ઇન્ટેલમાં પણ વેચવાલીનું મોજું ફરી વળતાં અમેરિકન માર્કેટમાં એક જ સેશનમાં 1 ટ્રિલિયન ડોલરનું લોહીયાળ વહેણ જોવા મળ્યું.

ચીન અને હોંગકોંગના બજારોમાં $3.10 ટ્રિલિયનનું જંગી નુકસાન

શાંઘાઈ, શેનઝેન અને હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાંથી કુલ મળીને $3.10 ટ્રિલિયન સાફ થઈ ગયા. આંતરિક ભીષણ પ્રાઇસ વોર અને ગ્રાહક સ્તરે ચાલતા ડિફ્લેશનને કારણે કંપનીઓના P/E રેશિયો વર્ષોના તળિયે પહોંચી ગયા. ભારે ઉદ્યોગો, ટેકનોલોજી અને બેટરી ઉત્પાદકોને સૌથી મોટો ફટકો પડતાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ચીની બજારોમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચી લીધા.

ભારતમાં રૂ.43.2 લાખ કરોડ 'ગાયબ', દક્ષિણ કોરિયા 'બેર માર્કેટ'માં

એશિયાના બે મોટા અર્થતંત્રો ભારત અને દક્ષિણ કોરિયામાં પણ રોકાણકારોની સંપત્તિનું ભારે ધોવાણ થયું:

ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સની ઐતિહાસિક વેચવાલીના કારણે BSEની તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી રૂ.43.2 લાખ કરોડનું ધોવાણ થયું. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો અને આઈટી-કન્ઝ્યુમર બ્લુચિપ કંપનીઓના નબળા પરિણામો આ ઘટાડા પાછળ મુખ્ય કારણ બન્યા.

દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ તેના જૂન મહિનાના શિખરથી 31 ટકા તૂટીને સત્તાવાર રીતે ‘બેર માર્કેટ’માં પ્રવેશી ચૂક્યો છે. એક જ દિવસમાં 3.2 ટકાના કડાકા સાથે 108 બિલિયન ડોલર સ્વાહા થઈ ગયા હતા, જેનાથી મહિનાનું કુલ નુકસાન $380 બિલિયન પર પહોંચ્યું. સેમિકન્ડક્ટર દિગ્ગજ સેમસંગ અને SK હાયનિક્સ આ નુકસાનના 60 ટકા માટે જવાબદાર રહ્યા.

કાર્તામાં સર્કિટ બ્રેકર લાગ્યા, યુરોપમાં $860 બિલિયન ધોવાયા

ઇન્ડોનેશિયા

એક જ અઠવાડિયામાં 14.91 ટકા તૂટીને 5,185.10 ના સ્તરે આવી ગયો, જેના કારણે જકાર્તા બોર્ડમાંથી $110 બિલિયનનું ધોવાણ થયું. MSCI દ્વારા વર્ગીકરણની સમીક્ષા અને રૂપિયાના અવમૂલ્યનના કારણે વિદેશી ડમ્પિંગથી માર્કેટ-વાઇડ લોઅર સર્કિટ બ્રેકર્સ ટ્રીગર થયા અને 800 થી વધુ શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા.

યુરોપ અને અન્ય ગ્લોબલ માર્કેટ્સ

યુએસ બોન્ડ યીલ્ડના ઊંચા વળતર તરફ મૂડી આકર્ષાતાં યુરોપ અને અન્ય સેકન્ડરી માર્કેટ્સમાંથી વધારાના $860 બિલિયન ઓગળી ગયા.

બજાર / ક્ષેત્ર ગુમાવેલી સંપત્તિ કયા દેશની જીડીપી સમાન?
નાસ્ડેક 100 $2.15 ટ્રિલિયન કેનેડા ($2.1 ટ્રિલિયન)
ગ્રેટર ચાઇના $3.10 ટ્રિલિયન ફ્રાન્સ ($3.1 ટ્રિલિયન)
યુરોપ અને અન્ય દેશો $860 બિલિયન સ્વિત્ઝર્લેન્ડ ($880 બિલિયન)
ભારત (BSE) $520 બિલિયન (₹43.2 લાખ કરોડ) થાઈલેન્ડ ($501 બિલિયન)
દક્ષિણ કોરિયા $380 બિલિયન ડેનમાર્ક ($410 બિલિયન)
ઇન્ડોનેશિયા $110 બિલિયન કેન્યા ($108 બિલિયન)
કુલ વૈશ્વિક નુકસાન $7.12 ટ્રિલિયન (રૂ.675 લાખ કરોડ) ભારત અને જાપાનની સંયુક્ત જીડીપી

આ સમાચાર શેર કરો