મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભડકો! નાયરા બાદ આ ખાનગીએ વધાર્યા ભાવ

નાયરા બાદ હવે Jio-bp એ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. 11 ઓક્ટોબરથી પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું થયું છે. મધ્ય પૂર્વના તણાવ અને ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં Jio-bp પંપ પર નવા ભાવ લાગુ પડ્યા છે. સરકારી કંપનીઓના ભાવ યથાવત છે.

પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભડકો!  નાયરા બાદ આ ખાનગીએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભડકો! નાયરા બાદ આ ખાનગીએ વધાર્યા ભાવ — તસવીર: google

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી વાહનચાલકોના ખિસ્સા પર વધુ બોજ વધ્યો છે. નાયરા એનર્જી (Nayara Energy) બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી Jio-bpએ પણ ઈંધણના ભાવમાં મોટો વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કર્યો છે. નવા દરો રવિવાર, 11 ઓક્ટોબરથી સવારે 6 વાગ્યાથી અમલી બન્યા છે.

પશ્ચિમ એશિયાના તણાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો

પશ્ચિમ એશિયા (Middle East)માં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડી (Strait of Hormuz) મારફતે ઓઇલ સપ્લાય પર પડેલી અસરને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં વધારો થયો છે. કાચા તેલના ઊંચા ભાવને કારણે ખાનગી ઈંધણ કંપનીઓના માર્કેટિંગ માર્જિન (Marketing Margin) પર દબાણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં Jio-bpએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 3 ઓક્ટોબરે ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જીએ પણ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો હતો.

હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં નવા ભાવ

ભાવવધારા બાદ વિવિધ રાજ્યોમાં Jio-bpના પેટ્રોલ પંપ પર નવા દર લાગુ થયા છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ, હરિયાણામાં પેટ્રોલ આશરે ₹109.80 અને ડીઝલ ₹97.75 પ્રતિ લિટર છે. પંજાબમાં પેટ્રોલનો ભાવ ₹108.54 અને ડીઝલનો ભાવ ₹99.19 પ્રતિ લિટર નોંધાયો છે.

રાજસ્થાનમાં સ્થાનિક કરવેરા (Local Taxes) અને વિસ્તાર પ્રમાણે પેટ્રોલ ₹113.91થી ₹117.65 પ્રતિ લિટર તથા ડીઝલ ₹97.15થી ₹100.78 પ્રતિ લિટરની વચ્ચે વેચાઈ રહ્યું છે. જોકે, અલગ-અલગ શહેરો અને પંપ પર વાસ્તવિક ભાવમાં ફેરફાર હોઈ શકે છે.

સરકારી કંપનીઓએ ભાવ યથાવત રાખ્યા

ખાનગી કંપનીઓ દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો છે, પરંતુ ઇન્ડિયન ઓઇલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી ઓઇલ કંપનીઓએ રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી.

અહેવાલમાં આપેલા દરો મુજબ, દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર છે. આમ, ખાનગી પંપ પર ભાવવધારાથી ગ્રાહકોને મોંઘવારીનો વધુ માર સહન કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો