વૈશ્વિક ટેક માર્કેટમાં ભૂકંપ: AI પાછળ તોતિંગ ખર્ચ છતાં નબળી કમાણી, સતત બીજા દિવસે ટેક શેરોમાં ભારે કડાકો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી પાછળ વૈશ્વિક ટેક દિગ્ગજો દ્વારા કરવામાં આવી રહેલા અબજો ડૉલરના તોતિંગ મૂડીરોકાણ સામે નફાકારકતા અને અપેક્ષિત વળતરને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ જંગી ખર્ચની સરખામણીએ કંપનીઓની કમાણી નબળી રહેતાં રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેના પગલે વૈશ્વિક શેરબજારોમાં સતત બીજા દિવસે અગ્રણી ટેક કંપનીઓના શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. નબળા નાણાકીય પરિણામો અને અનિશ્ચિત ભવિષ્યને કારણે ટેક સેક્ટરમાં ‘AI બબલ’ ફૂટવાની દહેશત વધી છે, જેણે સમગ્ર બજારના સેન્ટિમેન્ટને હચમચાવી દીધું છે.
શુક્રવારે ચિપ નિર્માતા કંપની ઇન્ટેલના શેરમાં ૨૮%નો મોટો કડાકો નોંધાયો હતો, જ્યારે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં ગુરુવારે ૧૨%ના ગાબડા બાદ શુક્રવારે વધુ ૧.૪%નો ઘટાડો જોવા મળ્યો હતો. રેડિટ અને એમેઝોન સહિતના અન્ય અગ્રણી ટેક શેરો પણ ઘટ્યા હતા, જેના કારણે અમેરિકાના અગ્રણી ટેક શેરોનો નાસ્ડેક (Nasdaq) ઇન્ડેક્સ ઓક્ટોબર મહિનાના અંતે માર્ચ ૨૦૨૫ પછીના સૌથી ખરાબ માસિક ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
ટેક કંપનીઓ AI પાછળ જંગી ખર્ચ કરી રહી છે, પરંતુ કંપનીઓની કમાણી વિશ્લેષકોના અનુમાન મુજબ ન રહેતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે અને બજારમાં 'AI બબલ' (AI Bubble) ફૂટવાનો ભય ઊભો થયો છે. મેટા, આલ્ફાબેટ, ઓરેકલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી અગ્રણી ટેક કંપનીઓએ ૨૦૨૬માં સંયુક્ત રીતે AI પાછળ $૮૦૦ અબજ ખર્ચવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ગુરુવારે આલ્ફાબેટની માર્કેટ વેલ્યૂમાં $૫૦૦ અબજથી વધુનો ઘટાડો નોંધાયો હતો, કારણ કે કંપનીએ સ્વીકાર્યું હતું કે સર્ચ ક્વેરીઝમાં ટોચ પર આપવામાં આવતા AI સારાંશ (AI Summaries)ને પગલે તેની મુખ્ય સર્ચ એડવર્ટાઇઝિંગ રેવન્યુને અસર થઈ રહી છે. તેમ છતાં, આલ્ફાબેટ ચાલુ વર્ષે તેના રોકાણમાં $૨૦૫ અબજ સુધીનો ખર્ચ કરે તેવી અપેક્ષા છે, જે લગભગ સંપૂર્ણપણે AI સાથે સંકળાયેલો છે.
બીજી તરફ, શુક્રવારે સૌથી મોટું નુકસાન ઇન્ટેલને થયું હતું, જેણે બજાર મૂલ્યમાં $૧૩૦ અબજથી વધુ ગુમાવ્યા હતા. કમ્પ્યુટર્સની ઘટેલી માંગ વચ્ચે પણ ઇન્ટેલે AI પાછળ ખર્ચ વધારવાની યોજના બનાવી છે. ઇન્ટેલના ફાઇનાન્સ ચીફ ડેવિડ ઝિન્સનરે જણાવ્યું હતું કે કંપની ચાલુ વર્ષે કમાણી કરતાં વધુ ખર્ચ કરી રહી છે અને ચોથા ક્વાર્ટરમાં પણ અપેક્ષા કરતાં ઓછી આવક થવાનો અંદાજ છે. તેમણે પીસી માર્કેટમાં મંદી આવતા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
એમેઝોન અને રેડિટના શેરોમાં પણ ગાબડું
એમેઝોને પણ ગુરુવારે જણાવ્યું હતું કે તેનો ખર્ચ આવક કરતાં વધી ગયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં ખર્ચ છ ગણો વધ્યો છે. કંપનીએ AI ડેટા સેન્ટર્સ, નેટવર્ક સાધનો અને સર્વર્સ જેવા રોકાણો માટે ચાલુ વર્ષે $૨૨૦ અબજ ખર્ચવાની યોજના બનાવી છે. શુક્રવારે કારોબારના અંતે એમેઝોનના શેર ૧.૪% ઘટીને બંધ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના દૈનિક વપરાશકર્તાઓની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી નોંધાતાં અને ગુગલના AI-સંચાલિત સર્ચથી ટ્રાફિકને નુકસાન થઈ રહ્યું હોવાની ચેતવણી બાદ તેના શેરમાં ૨૯%નો મોટો કડાકો બોલાયો હતો. ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ રોબ્લોક્સના દૈનિક સક્રિય વપરાશકર્તા ઘટતાં તેના શેરમાં પણ ૧૮%નો ઘટાડો નોંધાયો હતો.
રોકાણ વ્યવસ્થાપન પેઢી FHN ફાયનાન્શિયલના ક્રિસ લોએ જણાવ્યું હતું કે બજારની આ પ્રતિક્રિયા દર્શાવે છે કે એમેઝોન અને ગુગલ જેવી દિગ્ગજ કંપનીઓ AI પાછળ આક્રમક રીતે આગળ વધતાં વિકાસના ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, જે સમગ્ર સેક્ટરમાં મંદીના સંકેત આપે છે.
શેરબજારના વિશ્લેષકો હવે AI બબલની શક્યતા પર જોરદાર ચર્ચા કરી રહ્યા છે. ચિંતા એ વાતની છે કે કંપનીઓ AI ડેટા સેન્ટર્સ અને સોફ્ટવેર બનાવવા પાછળ જે જંગી ખર્ચ કરી રહી છે, તેની સરખામણીએ આવક ઊભી ન થતાં તેઓ તેમના આસમાને પહોંચેલા વેલ્યુએશનને વાજબી ઠેરવી શકશે નહીં.
ટ્રેડિંગ ફર્મ XTBના રિસર્ચ ડિરેક્ટર કેથલીન બ્રુક્સે જણાવ્યું હતું કે, "રોકાણકારો હવે નિર્દય બન્યા છે અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં સહેજ પણ નિરાશા દેખાતાં શેર વેચી રહ્યા છે. AI ટ્રેડે છેલ્લા વર્ષોમાં ઉત્તમ વળતર આપ્યું છે, પરંતુ હવે રોકાણકારો ચોક્કસ વળતર ઇચ્છી રહ્યા છે અને આલ્ફાબેટ તથા ઇન્ટેલ જેવી કંપનીઓ તેમના નિશાના પર છે."
જોકે, ઘટાડા છતાં આમાંની ઘણી કંપનીઓના શેર એક વર્ષ અગાઉના સ્તર કરતાં હજુ પણ ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. નાસ્ડેક ૨.૮% ઘટવા છતાં વાર્ષિક ધોરણે ૭.૮% ઉપર છે. તેવી જ રીતે એમેઝોન છેલ્લા ૧૨ મહિનામાં લગભગ ૮% વધ્યું છે, જ્યારે આલ્ફાબેટ ૧.૩% ઘટ્યું છે.
બ્રુક્સે ઉમેર્યું હતું કે સામાન્ય રીતે નવેમ્બર મહિનો શેરબજાર માટે મજબૂત ગણાય છે. પરંતુ જો આગામી દિવસોમાં પણ AI શેરોમાં દબાણ ચાલુ રહેશે, તો એ સંકેત મળશે કે AIનો તેજીનો તબક્કો પૂરો થઈ ચૂક્યો છે અને રોકાણકારો બજારને દોરવા માટે હવે નવા ક્ષેત્રો તરફ વળશે.










