Gold Silver Rate Today: સોનું ₹1.40 લાખને પાર, ચાંદીમાં ₹6500ની તોફાની તેજી
Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે,Gold Silver Rate Today13 જાન્યુઆરીના

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે,Gold Silver Rate Today13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતા તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.
24 કેરેટ સોનું રૂ. 1.40 લાખની ઐતિહાસિક સપાટીએ
બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.
ઇલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રેકોર્ડ વધારો
બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય 'રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.
શહેર મુજબ ભાવમાં તફાવત
સામાન્ય ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે IBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં 3% GST, ઘડામણ કે જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી. આ કારણોસર જ દરેક શહેરમાં સ્થાનિક કક્ષાએ સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવી પણ અત્યંત અનિવાર્ય છે.








