ગૌતમ અદાણીએ ભૂતાનના પીએમ સાથે કરી મુલાકાત, સ્થાપશે 570 મેગાવોટનો ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ
અદાણી ગ્રૂપ સતત નવા ક્ષેત્રોમાં ઉડાન ભરી રહ્યું છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં

અદાણી ગ્રૂપ સતત નવા ક્ષેત્રોમાં ઉડાન ભરી રહ્યું છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા સોદાઓ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ રવિવારે ભૂતાનમાં 570 મેગાવોટનો ગ્રીન હાઈડ્રો પ્લાન્ટ બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રવિવારે ગૌતમ અદાણી થિમ્પુમાં ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન દાશો શેરિંગ તોબગેને મળ્યા હતા. આ સાથે તેમણે પાડોશી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગની પણ વાત કરી હતી.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું
"ભૂતાનના માનનીય વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે સાથે તે ખૂબ જ રોમાંચક બેઠક હતી. ચુખા પ્રાંતમાં 570 મેગાવોટના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ (DGPC) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા," તેમણે Instagram પર પોસ્ટ કર્યું. અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, ભૂતાનના પીએમને મહામહિમ રાજાના વિઝનને આગળ વધારતા અને સમગ્ર દેશમાં વ્યાપક માળખાગત પહેલને આગળ ધપાવતા જોવું એ પ્રશંસનીય છે. અદાણી ગ્રૂપ ભૂતાનમાં હાઈડ્રો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા આતુર છે. તેમણે કહ્યું કે, તેઓ કાર્બન ન્યુટ્રલ દેશ બનવા માટે ગ્રીન એનર્જી મેનેજમેન્ટની સાથે આ પરિવર્તનકારી યોજનાઓમાં સહયોગ કરવા માટે ઉત્સાહિત છે.
અદાણી ગ્રૂપ ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં યોગદાન આપવા ઉત્સાહિત
ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતાનના રાજાને મળીને તેઓ ગૌરવ અનુભવે છે. ભૂતાન માટેના તેમના વિઝન અને ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી માટેના તેમના મહત્ત્વાકાંક્ષી 'ઇકો-ફ્રેન્ડલી માસ્ટરપ્લાન'માંથી પણ પ્રેરણા મળી, જેમાં વિશાળ કમ્પ્યુટિંગ સેન્ટર અને ડેટા સુવિધાનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણી ગયા વર્ષે નવેમ્બરમાં ભૂતાનના રાજાને મળ્યા હતા. ત્યારે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ તેના સુખી અને ઉષ્માભર્યા પાડોશી માટે ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં યોગદાન આપવા માટેની તકો શોધવા માટે તેઓ ઉત્સાહિત છે.
અદાણી જૂથે પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદ્યું
તાજેતરમાં, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદવાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટે રૂ. 10.422 કરોડમાં પેન્ના સિમેન્ટમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ સાથે, અંબુજા સિમેન્ટની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 14 મિલિયન ટન વધીને વાર્ષિક 89 મિલિયન ટન થઈ છે.






