Appleમાંથી થઈ જશે ટિમ કૂકની વિદાય? કંપની પસંદ કરવા જઈ રહી છે નવા CEO

Appleએ તેના આગામી CEO પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક અહેવાલ મુજબ, Appleના CEO ટિમ કૂક આવતા વર્ષે પદ છોડી શકે છે. ટિમ પછી Appleની કમાન કોણ સંભાળશે તેના પર કંપનીએ કામ શરૂ કરી દીધું છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આગામી CEO કોણ હશે. જોકે, Appleના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ (હાર્ડવેર એન્જિનિયરિંગ) જોન ટર્નસને આ પદ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવે છે. અહેવાલમાં ઘણા લોકોનો ઉલ્લેખ કરીને Appleના આગામી CEO માટે જોન ટર્નસને સંભવિત દાવેદાર તરીકે સૂચવવામાં આવ્યા છે.
Appleએ હજુ સુધી આ બાબતે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર નથી કરી. લગભગ 14 વર્ષ સુધી Appleનું જવાબદારી સાંભળ્યા પછી, ટિમ કૂક હવે નિવૃત્ત થઈ શકે છે. Apple આવતા વર્ષની શરૂઆતમાં તેના આગામી CEOની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
Apple સાથે ટિમ કૂકની સફર
સ્ટીવ જોબ્સે 2011માં પોતાનું પદ છોડ્યા પછી ટિમ કૂકે Appleનો કાર્યભાર સંભાળ્યો હતો. તમને જણાવી દઈએ કે ટિમ કૂકે 1998માં Apple કંપની જોઈન કરી હતી. તે સમયે, કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સ્ટીવ જોબ્સે ટિમ કૂકને Appleની ઓપરેશન્સ ટીમને નવી દિશામાં લઈ જવા માટે નોકરી પર રાખ્યા હતા.
2005થી 2011 સુધી તેમણે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી. આ સમય દરમિયાન, તેમણે વૈશ્વિક સ્તરે iPod, MacBook, iPhone અને iPad જેવા પ્રોડક્ટ્સ માટે સપ્લાય ચેઈનને મજબૂત બનાવી. એવું માનવામાં આવે છે કે ટિમ કૂકના કારણે જ Apple મોટા પાયે પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકી.
2011માં CEO બન્યા
સ્ટીવ જોબ્સની માંદગી દરમિયાન પણ, ટિમ કૂકે વચગાળાના CEO તરીકે સેવા આપી હતી. 24 ઓગસ્ટ, 2011ના રોજ, સ્ટીવ જોબ્સે તેમને Appleના CEO તરીકે નિયુક્ત કર્યા હતા. કૂકના નેતૃત્વ હેઠળ, Appleએ ઘણા મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યા છે.
કૂકના CEO તરીકેના કાર્યકાળ દરમિયાન, કંપનીએ Apple Watch, AirPods, M1, M2, M3 સિલિકોન ચિપ્સ અને Apple Vision Pro જેવા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા. આ સાથે Apple 3 ટ્રિલિયન ડોલરના વેલ્યૂએશન સુધી પહોંચનારી પ્રથમ કંપની બની. ટિમના નેતૃત્વ હેઠળ, iCloud, Apple Music, Apple TV+ અને App સ્ટોર જેવા સર્વિસ બિઝનેસનો વિસ્તાર થયો.

