શું પેટ્રોલ-ડીઝલની કારો ભારતમાંથી સંપૂર્ણપણ બંધ થઈ જશે? નીતિન ગડકરીએ કહી આ વાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારતને ગ્રીન ઈકોનોમી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારતને ગ્રીન ઈકોનોમી બનાવવા માટે દેશમાં હાઇબ્રિડ વાહનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની હિમાયત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતને પેટ્રોલ અને ડીઝલ વાહનોથી સંપૂર્ણપણે મુક્ત બનાવવું શક્ય છે, તો જવાબમાં ગડકરીએ કહ્યું, "દેશને પેટ્રોલ અને ડીઝલ વાહનોથી સંપૂર્ણપણે મુક્ત બનાવવું શક્ય છે. 100 ટકા." તે મુશ્કેલ છે, અશક્ય નથી. આ મારો અભિપ્રાય છે.”
તેમણે કહ્યું કે, ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. આ નાણાનો ઉપયોગ ખેડૂતોના જીવનને સુધારવા માટે થશે, ગામડાઓ સમૃદ્ધ થશે અને યુવાનોને રોજગાર મળશે. જોકે, ગડકરીએ આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કરવા માટે કોઈ સમયરેખા આપી ન હતી, જેને ગ્રીન એનર્જી સમર્થકો પણ અત્યંત મુશ્કેલ માને છે.
મંત્રીએ કહ્યું કે, હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ એન્જિન પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે, જે તેના પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ દ્રઢપણે માને છે કે દેશ જૈવ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપીને ઈંધણની આયાતને દૂર કરી શકે છે. ગડકરીએ કહ્યું કે, તેઓ 2004થી વૈકલ્પિક ઇંધણની હિમાયત કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે આવનારા પાંચથી સાત વર્ષમાં વસ્તુઓ બદલાશે.
મંત્રીએ કહ્યું, “હું તમને આ ફેરફાર માટે કોઈ તારીખ અને વર્ષ કહી શકતો નથી કારણ કે તે ખૂબ જ મુશ્કેલ છે પણ અશક્ય નથી.'' તેમણે કહ્યું કે, તેઓ દ્રઢપણે માને છે કે જે ગતિએ ઈલેક્ટ્રિક વાહનોની રજૂઆત થઈ રહી છે, આવનાર યુગ વૈકલ્પિક અને જૈવિક ઈંધણનો હશે અને આ સ્વપ્ન સાકાર થશે.
ગડકરીએ કહ્યું કે બજાજ, ટીવીએસ અને હીરો જેવી ઓટોમોટિવ કંપનીઓ પણ ફ્લેક્સ એન્જિનનો ઉપયોગ કરીને મોટરસાઈકલ બનાવવાની યોજના બનાવી રહી છે. આવી જ ટેક્નોલોજીથી બનેલા થ્રી-વ્હીલર પણ આવી રહ્યા છે.








