EVM મશીન કઈ કંપની બનાવે છે, તે કેવી રીતે કામ કરે છે, જાણો તમારા બધા પ્રશ્નોના જવાબો!
દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન કરવામાં આવી

દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં EVM ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈવીએમ દેશને નવી સરકાર આપવામાં મદદ કરે છે. અન્ય ચૂંટણીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો? ભારતમાં બેલેટ પેપરના ઉપયોગનું સ્થાન EVMએ લીધું છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર અનેક વખત આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ આજ સુધી કોઈ તેને સાબિત કરી શક્યું નથી.
આ આરોપો બાદ ચૂંટણી પંચે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ એટલે કે VVPAT સિસ્ટમ દાખલ કરી છે. જો કે, આ સિસ્ટમ હજુ સંપૂર્ણ રીતે અમલમાં આવી નથી. તેની શરૂઆત વર્ષ 2014માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી.
EVMની કહાની કેવી રીતે શરૂ થઈ?
વર્ષ 1980, એમ.બી. હનીફાએ પહેલું વોટિંગ મશીન બનાવ્યું હતું. આ સમયે તેને ઈલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટીંગ મશીન નામ આપવામાં આવ્યું હતું. તેની ઓરિજનલ ડિઝાઇન સામાન્ય લોકોને તમિલનાડુના 6 શહેરોમાં યોજાયેલા સરકારી પ્રદર્શનમાં બતાવવામાં આવી હતી. ઈવીએમનો ઉપયોગ સૌપ્રથમવાર 1982માં કેરળના ઉત્તર પરાવુરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.
શરૂઆતના દિવસોમાં ઈવીએમના ઉપયોગને લઈને ચૂંટણી પંચને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1998માં 16 વિધાનસભામાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી 1999 માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને તેનો ઉપયોગ 46 લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો. વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં તમામ સીટો પર ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
EVM કેવી રીતે કામ કરે છે?
EVMમાં બે યુનિટ છે - કંટ્રોલ અને બેલેટ. એટલે કે એક યુનિટ કે જેના પર તમે બટન દબાવીને તમારો મત આપો છો અને બીજું એકમ કે જેમાં તમારો મત સંગ્રહિત થાય છે. કંટ્રોલ યુનિટ મતદાન ઓફિસરની પાસે હોય છે, જ્યારે બેલેટ યુનિટ બીજી બાજુ રાખવામાં આવે છે, જ્યાંથી લોકો પોતાનો મત આપી શકે છે.
બેલેટ યુનિટ પર તમને વિવિધ પક્ષોના ચિહ્ન અને ઉમેદવારોના નામ આપવામાં આવે છે, જેની બાજુમાં વાદળી બટન હોય છે. આ બટનો દબાવીને તમે તમારો મત આપો છો. કંટ્રોલ યુનિટ પર બેલેટ માર્કવાળું એક બટન હોય છે, જેને દબાવ્યા પછી બીજો મતદાર પોતાનો મત આપી શકે છે.
મતદાન મથક પર છેલ્લો મતદાન થતાંની સાથે જ મતદાન અધિકારી કંટ્રોલ યુનિટ પર ક્લોઝ બટન દબાવી દે છે. આ પછી EVM પર વોટ નથી પડી શકતા. મતદાન પૂર્ણ થયા પછી કંટ્રોલ યુનિટને બેટલ યુનિટથી અલગ રાખવામાં આવે છે. પરિણામ મેળવવા માટે કંટ્રોલ યુનિટ પર આપેલ પરિણામ બટન દબાવવાનું હોય છે.
આ બટન ભૂલથી દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવા માટે બે સેફગાર્ડ હોય છે. આ બટનનો ત્યાં સુધી ઉપયોગ કરવામાં આવતો નથી, જ્યાં સુધી ક્લોઝ બટન દબાવવામાં ન આવે અને વોટિંગ પ્રક્રિયા પૂર્ણપણે પૂર્ણ ન થાય. આ બટન છુપાયેલું હોય છે અને સુરક્ષાના કારણોસર સીલબંધ રાખવામાં આવે છે. આ સીલ માત્ર મતગણતરી કેન્દ્ર પર જ તોડવામાં આવે છે.
EVM બે કંપનીઓ દ્વારા મળીને બનાવવામાં આવે છે. તે ચૂંટણી પંચ દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગલુરુ (રક્ષા મંત્રાલય) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ (પરમાણુ ઉર્જા વિભાગ)ના સાથે મળીને તૈયાર કરે છે.








