WhatsApp New Feature: હવે ટેક્સ્ટ મેસેજ પણ એકવાર વાંચ્યા બાદ થશે ગાયબ, સ્ક્રીનશોટ પર પણ પ્રતિબંધ

WhatsApp પર ઘણીવાર એવી ખાનગી માહિતી શેર કરવાની જરૂર પડે છે, જેને તમે ઇચ્છતા નથી કે સામેની વ્યક્તિ વારંવાર વાંચે અથવા તે હંમેશાં માટે ચેટમાં સેવ રહે. અત્યાર સુધી આવી જરૂરિયાત માટે યુઝર્સ પાસે ફોટો, વીડિયો અને વોઇસ મેસેજ માટે View Once ફીચર ઉપલબ્ધ હતું. આ ફીચર દ્વારા મોકલવામાં આવેલો કન્ટેન્ટ એકવાર જોયા અથવા સાંભળ્યા બાદ ફરીથી ખોલી શકાતો નથી. હવે WhatsApp આ સુવિધા ટેક્સ્ટ મેસેજ માટે પણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મેસેજને ફરીથી જોવા, કોપી કરવા કે તેનો સ્ક્રીનશોટ લેવા પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.
ટેક્સ્ટ મેસેજ માટે આવી રહ્યું છે View Once ફીચર
અત્યાર સુધી WhatsAppનું View Once ફીચર માત્ર ફોટો, વીડિયો અને વોઇસ મેસેજ પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે કંપની તેનો વિસ્તાર કરીને લખેલા મેસેજ માટે પણ આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, WhatsAppએ કેટલાક Android બીટા યુઝર્સ માટે આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં Android બીટા વર્ઝન 2.26.45.6નો ઉપયોગ કરતા પસંદગીના કેટલાક યુઝર્સને આ સુવિધા મળી રહી છે.
મેસેજ ખોલતાની સાથે જ ગાયબ થવાની પ્રક્રિયા શરૂ થશે
આ ફીચર હેઠળ મોકલવામાં આવેલા ટેક્સ્ટ મેસેજનો કન્ટેન્ટ સીધો ચેટમાં દેખાશે નહીં. તેને વાંચવા માટે રિસીવરે મેસેજ પર ટેપ કરવું પડશે. ત્યારબાદ ટેક્સ્ટ એક અલગ વિન્ડોમાં ખુલશે. રિસીવર આ વિન્ડો બંધ કરશે કે તરત જ મેસેજ ગાયબ થઈ જશે અને તેને ફરીથી વાંચી શકાશે નહીં. WhatsApp મેસેજ વાંચવામાં આવ્યો હોવાનું પણ માર્ક કરશે. આ ઉપરાંત, WhatsApp View Once ટેક્સ્ટ મેસેજમાં સ્ક્રીનશોટ, સ્ક્રીન રેકોર્ડિંગ, કોપી અને ફોરવર્ડ જેવા વિકલ્પો પણ બ્લોક કરી શકે છે.
Send બટન દબાવી રાખતાં જ એક્ટિવેટ થશે ફીચર
અહેવાલ અનુસાર, યુઝર્સને ચેટ વિન્ડોમાં જ View Once Text Messageનો વિકલ્પ મળી શકે છે. આ માટે સૌપ્રથમ સામાન્ય રીતે પોતાનો મેસેજ ટાઇપ કરવો પડશે. ત્યારબાદ Send બટનને થોડીવાર દબાવી રાખતાં View Once સેટિંગ દેખાવાની શક્યતા છે. આ વિકલ્પ પસંદ કર્યા બાદ મેસેજ મોકલી શકાશે.
WhatsApp પહેલીવાર આ ફીચરનો ઉપયોગ કરનારા યુઝર્સને એક નાનું ટ્યુટોરિયલ પણ બતાવી શકે છે, જેથી તેઓ સરળતાથી આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શકે.
હાલમાં બીટા યુઝર્સ માટે થઈ રહ્યું છે ટેસ્ટિંગ
આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સને પાસવર્ડ અથવા વન-ટાઇમ કોડ (OTP) જેવી સંવેદનશીલ માહિતી શેર કરવા માટે વધુ એક સુરક્ષિત વિકલ્પ આપવાનો છે. જેથી આવી ખાનગી માહિતી લાંબા સમય સુધી ચેટ હિસ્ટ્રીમાં રહે નહીં.
હાલમાં WhatsApp Google Play Store દ્વારા પસંદગીના કેટલાક બીટા યુઝર્સ સુધી આ સુવિધા પહોંચાડી રહ્યું છે. આગામી અઠવાડિયાઓમાં વધુ બીટા યુઝર્સને તેનો એક્સેસ મળી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી તમામ Android યુઝર્સ માટે આ ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની સત્તાવાર તારીખ જાહેર કરી નથી.









