અધૂરી સુરક્ષા અને સસ્તા જુગાડની કિંમત 9 જિંદગી! જાણો સ્લીપર બસો કેવી રીતે બને છે ‘મોતનો કૂવો’

બુધવાર મોડી રાત્રે યમુના એક્સપ્રેસવે પર ગ્રેટર નોઇડાના જેવરમાં દયાનાથપુર ગામ પાસે એક AC સ્લીપર બસમાં આગ લાગવાથી 9 મુસાફરોના કરૂણ મોત થયા છે. 35 મુસાફરોને લઈને નોઇડાથી બુંદેલખંડના મહોબા જઈ રહેલી આ બસ જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બસના એસીમાં સ્પાર્ક અથવા બ્લાસ્ટ થયા પછી એન્જિન ઓઇલે આગ પકડી લીધી, જેના કારણે જ્વાળાઓ ખૂબ જ ઝડપથી આખી બસમાં ફેલાઈ ગઈ.
આ કોઈ એકલદોકલ ઘટના નથી. આ પહેલા ડિસેમ્બર 2025માં મથુરામાં ઘાટા ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસવે પર અથડાયેલી બસોમાં આગ લાગવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો ઓક્ટોબર 2025માં આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બાઇકની ટક્કર પછી સ્લીપર બસમાં આગ લાગવાથી 20 અને જેસલમેરથી જોધપુર જઈ રહેલી પ્રાઇવેટ બસમાં આગ લાગવાથી 26 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
તાજેતરમાં સંસદમાં આપવામાં આવેલા એક જવાબ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ચાલુ બસોમાં આગ લાગવાની 45 ઘટનાઓમાં ઓછામાં ઓછા 64 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) પણ રાજ્યોના મુખ્ય સચિવોને નોટિસ પાઠવીને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી સ્લીપર બસો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી ચૂક્યું છે.
આખરે કેવી રીતે શરૂ થયો સ્લીપર બસોનો દોર?
ભારતના રસ્તાઓ પર હંમેશાથી સ્લીપર બસો નહોતી ચાલતી. 1966ની આસપાસ મૈસૂર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જેવી સરકારી સંસ્થાઓએ દક્ષિણ ભારતમાં આના પ્રારંભિક પ્રયોગો કર્યા હતા. પરંતુ વાસ્તવિક ઉછાળો 2000ના દાયકામાં આવ્યો, જ્યારે નેશનલ હાઇવે ફોર-લેનના બનવા લાગ્યા અને રાતોરાત આંતરરાજ્ય મુસાફરી સરળ થઈ ગઈ. 2010 પછી જ્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની, ત્યારે સ્લીપર બસોએ આ ખાલી જગ્યા પૂરી દીધી.
'રેડબસ' (RedBus)ના આંકડા મુજબ, 2025માં 6,000થી વધુ પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા 14 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી, જેમાં 85% મુસાફરી સ્લીપર અને હાઇબ્રિડ બસોમાં થઈ હતી.
આજે દેશમાં લગભગ 20 લાખ બસો છે, જેમાંથી 90%થી વધુ પ્રાઇવેટ ઓપરેટરો ચલાવી રહ્યા છે. જોકે, આ ઝડપથી વધી રહેલા સેક્ટરમાં સુરક્ષા નિયમોની ભારે અવગણના થઈ રહી છે.
અથડામણ વગર અચાનક કેમ લાગી જાય છે આગ?
પરિવહન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી લાગતી આગ અને કોઈ પણ અથડામણ વગર લાગતી આગ વચ્ચે મોટો તફાવત હોય છે.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનર અનિલ છિકારા જણાવે છે, "મોટાભાગની સ્લીપર બસોમાં આગ શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિકલ ઓવરલોડના કારણે લાગે છે, જેને સરળતાથી રોકી શકાય છે. ઘણીવાર વાયરિંગ ફોલ્ટ કે ઓવરહીટિંગથી નાની-મોટી આગ લાગે છે, મુસાફરો બહાર નીકળી જાય છે અને મામલાની કોઈ ગંભીર તપાસ પણ થતી નથી."
લોકલ AC સ્લીપર બસોમાં આગ લાગવાના મુખ્ય કારણો
જુગાડથી બનેલી બસો: મૂળ ઓટોમોબાઇલ કંપનીઓ (OEM) દ્વારા બનાવાયેલી બ્રાન્ડેડ એસી સ્લીપર બસની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોય છે, જેમાં તમામ સુરક્ષા માપદંડો હોય છે. જ્યારે, લોકલ બોડી બિલ્ડરો પાસેથી સાધારણ ચેસિસ પર તૈયાર કરાવેલી સ્લીપર બસો 1 કરોડ રૂપિયાથી પણ ઓછામાં બની જાય છે. હાલમાં દેશમાં માત્ર 10% બસો જ સુરક્ષા માપદંડોવાળી પ્રીમિયમ કેટેગરીની છે.
લોકલ વાયરિંગ અને ઓવરલોડ: લોકલ સ્તરે AC, લાઇટ અને ચાર્જિંગ પોઇન્ટ્સ જોડવામાં આવે છે, જે સતત 14-15 કલાક સુધી ચાલે છે. કંપનીઓ લોડ વહેંચવા માટે 'મલ્ટિપ્લેક્સ વાયરિંગ'નો ઉપયોગ કરે છે, જ્યારે લોકલ બોડી બિલ્ડર સસ્તા વાયરોનો ઉપયોગ કરે છે. વાયર ગરમ થતાં જ ઇન્સ્યુલેશન સળગે છે અને મિનિટોમાં આખી બસમાં આગ ફેલાઈ જાય છે.
ઇમરજન્સી હેમર અને એલાર્મની અછત: જુગાડથી બનેલી બસોમાં કાચ તોડવાની હથોડી અને ઓટોમેટિક ફાયર સેપરેશન સિસ્ટમ ગાયબ હોય છે.
કેમ 'મોતનો કૂવો' બની જાય છે સ્લીપર બસની બનાવટ?
આગ લાગ્યા પછી સ્લીપર બસની અંદર તબાહી મચવાનું સૌથી મોટું કારણ તેની અંદરની બનાવટ છે. સાંકડી ગેલરી, ઉપર-નીચે બનેલી બર્થ અને ઓછી ઊંચાઈના કારણે ઇમરજન્સીમાં મુસાફરો માટે બહાર ભાગવું અશક્ય બની જાય છે.
નિયમો અનુસાર બસમાં મલ્ટિપલ ઇમરજન્સી એક્ઝિટ હોવા જોઈએ. પરંતુ ઓપરેટરો વધુ ટિકિટો વેચવા અને એક્સ્ટ્રા બર્થ લગાવવાના ચક્કરમાં પાછળના ઇમરજન્સી દરવાજાઓને કાયમી ધોરણે બંધ કરી દે છે.
ફસાઈ જાય છે મુસાફરો: ધુમાડા અને આગ વચ્ચે મુસાફરો સીધા ઊભા રહીને ભાગી પણ શકતા નથી, તેમણે ઘસડાઈને (પેટ ઘસીને) બહાર નીકળવું પડે છે.
કાગળ પરના નિયમો અને ઢીલી તપાસ પ્રણાલી
ભારતમાં 'બસ બોડી કોડ' (AIS-052), 'સ્લીપર બસ કોડ' (AIS-119) અને 'ફાયર ડિટેક્શન સિસ્ટમ' (AIS-134) જેવા કડક માપદંડો અસ્તિત્વમાં છે. પરંતુ CIRTના અધિકારીઓનું માનવું છે કે જમીન પર આનું પાલન માત્ર કાગળ પર જ સીમિત છે.
લોકલ બોડી મેકર દ્વારા બસ બનાવવામાં ફોમ જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આગને ભડકાવવાનું કામ કરે છે.
RTO ઓફિસોમાં ઇલેક્ટ્રિકલ અને ફાયર સેફ્ટી ચકાસવા માટે ટ્રેઇન્ડ એન્જિનિયરોની ભારે અછત છે. ઘણા રાજ્યોમાં ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ જ ફિટનેસ સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે.
ઘણા ઓપરેટરો પૂર્વોત્તરના રાજ્યોમાંથી (જેમ કે અરૂણાચલ પ્રદેશ કે નાગાલેન્ડ) કોઈ પણ વાસ્તવિક ફિઝિકલ ટેસ્ટ વગર ફિટનેસ સર્ટિફિકેટ બનાવાઈ લે છે અને હજારો કિલોમીટર દૂર બસો ચલાવે છે.
શું ચીનની તર્જ પર સ્લીપર બસો પર બેન લાગશે?
વધતા અકસ્માતોને જોતાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે તાજેતરમાં ઓપરેટરો સાથેની બેઠકમાં લોકલ સ્તરે કસ્ટમાઇઝ કરવામાં આવતી સ્લીપર બસો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા અને માત્ર કંપનીઓ દ્વારા નિર્મિત (OEM) બસોને જ લીલી ઝંડી આપવાના વિચાર પર ચર્ચા કરી છે.
નોંધનીય છે કે ચીને પણ 2012માં ભીષણ માર્ગ અકસ્માતો પછી તમામ પ્રકારની સ્લીપર બસોના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી હતી.
રાજસ્થાનના 'રોડ સેફ્ટી નેટવર્ક' સાથે જોડાયેલા નિષ્ણાત મધુસૂદન શર્મા કહે છે, "આ બસોમાં મુસાફરી કરનારા મોટાભાગના એ સામાન્ય લોકો હોય છે જે મોંઘા સાધનો એફોર્ડ નથી કરી શકતા અને જેને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી. તેઓ સુરક્ષાના ભરોસે મુસાફરી કરે છે. જ્યાં સુધી લોકલ બોડી બિલ્ડરો અને RTOની બેદરકારી પર કડક શિકંજો કસવામાં નહીં આવે, ત્યાં સુધી રસ્તાઓ પર આવા અકસ્માતો રોકવા અશક્ય હશે."

