કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! હવે 1.80 લાખ સુધીનું મોંઘુદાટ લેપટોપ કે MacBook મળશે, 4 વર્ષ પછી તે કાયમ માટે તેમનું થઈ જશે!

કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! હવે 1.80 લાખ સુધીનું મોંઘુદાટ લેપટોપ કે MacBook મળશે, 4 વર્ષ પછી તે કાયમ માટે તેમનું થઈ જશે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારના અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે લાયક કેન્દ્રીય સરકારી અધિકારીઓને ઑફિસના કામ માટે 1.80 લાખ રૂપિયા સુધીની કિંમતના લેપટોપ અને ટેબલેટ મળી શકશે. એટલું જ નહીં, ચાર વર્ષ સુધી ઉપયોગ કર્યા બાદ તેઓ આ ડિવાઇસ પોતાની પાસે રાખી પણ શકશે. નાણા મંત્રાલયે ડિવાઇસ ખરીદી અને ઉપયોગ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અહેવાલ અનુસાર, નવા નિયમો 10 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે.

મેક-ઇન-ઇન્ડિયા ડિવાઇસ માટે 1.80 લાખની મર્યાદા

જાહેરાત

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નીતિ અનુસાર, 40 ટકાથી વધુ મેક-ઇન-ઇન્ડિયા કન્ટેન્ટ ધરાવતા ડિવાઇસની ખરીદી માટે 1.80 લાખ રૂપિયા ઉપરાંત ટેક્સ સુધીની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય ડિવાઇસ માટે ખરીદીની મહત્તમ મર્યાદા 1.50 લાખ રૂપિયા ઉપરાંત ટેક્સ નક્કી કરવામાં આવી છે. આ બંને મર્યાદામાં સ્ટાન્ડર્ડ સોફ્ટવેરનો ખર્ચ પણ સામેલ છે. આ કિંમતની મર્યાદામાં એપલના મેકબુક એર અને મેકબુક પ્રો જેવા મોડલ પણ આવી શકે છે. અગાઉ જુલાઈ 2023માં જાહેર કરાયેલા નિયમો અનુસાર, આ મર્યાદા અનુક્રમે 1 લાખ અને 1.30 લાખ રૂપિયા હતી.

કયા સરકારી અધિકારીઓને મળશે લેપટોપ?

નવા નિયમો હેઠળ તમામ સરકારી કર્મચારીઓને લેપટોપ મળશે નહીં. તેના માટે પગારના સ્તર (Pay Level) પ્રમાણે પાત્રતા નક્કી કરવામાં આવી છે.

  • પે લેવલ 12 અને તેનાથી ઉપર: આ સ્તરના તમામ મંજૂર પદો પરના અધિકારીઓ ડિવાઇસ મેળવવા પાત્ર રહેશે.
  • પે લેવલ 8થી 11: શરૂઆતમાં આ સ્તરના મંજૂર પદોમાંથી 50 ટકા કર્મચારીઓને જ ડિવાઇસ મળશે.
  • 75 ટકા સુધીની છૂટ: મંત્રાલય અથવા વિભાગના સચિવ નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરીને જરૂરિયાત મુજબ આ મર્યાદા 75 ટકા સુધી વધારી શકશે.

ચાર વર્ષ બાદ લેપટોપ પોતાની પાસે રાખી શકશે

નવા નિયમોની સૌથી મહત્ત્વની બાબત એ છે કે અધિકારીઓ ચાર વર્ષ સુધી સરકારી લેપટોપ, ટેબલેટ કે અન્ય ડિવાઇસનો ઉપયોગ કર્યા બાદ તેને પોતાની પાસે રાખી શકશે. જોકે, તે પહેલાં વિભાગે ડિવાઇસમાંથી તમામ સરકારી અને સત્તાવાર માહિતી સંપૂર્ણપણે દૂર કરવાની રહેશે. જો કોઈ અધિકારી ચાર વર્ષ પૂર્ણ થતાં પહેલાં નિવૃત્ત થાય અથવા સરકારી નોકરી છોડી દે તો પણ તેને ડિવાઇસ પરત આપવું ફરજિયાત નથી. જોકે, આવી સ્થિતિમાં તેણે ડિવાઇસની ઘસારા બાદની કિંમત (Depreciated Value) ચૂકવવી પડશે. સરકાર દર વર્ષે 25 ટકા લેખે ડિવાઇસની કિંમતમાં ઘટાડો ગણશે.

ચાર વર્ષ પહેલાં નવું ડિવાઇસ નહીં મળે

નવા નિયમો અનુસાર, કોઈ અધિકારીને ચાર વર્ષના સમયગાળા દરમિયાન બીજું ડિવાઇસ આપવામાં આવશે નહીં. જોકે, હાલનું ડિવાઇસ આર્થિક રીતે રિપેર કરાવી શકાય તેમ ન હોય તો અપવાદરૂપે નવું ડિવાઇસ મળી શકે છે. આ નીતિ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો, વિભાગો તથા તેમની સાથે જોડાયેલી અને ગૌણ કચેરીઓને લાગુ પડશે. જોકે, રાજ્ય સરકારો, સરકારી કંપનીઓ (PSU), સ્વાયત્ત સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ્સને આ નિયમોનો લાભ મળશે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત