દિવાળીની રાત્રે મોટો કાંડ! રાષ્ટ્રપતિના બોડીગાર્ડના માથામાં ધરબી દીધી ગોળી: ફટાકડા ફોડવા મુદ્દે UPમાં લોહિયાળ ખેલ!

દિવાળીની રાત્રે મોટો કાંડ! રાષ્ટ્રપતિના બોડીગાર્ડના માથામાં ધરબી દીધી ગોળી: ફટાકડા ફોડવા મુદ્દે UPમાં લોહિયાળ ખેલ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઝઘડા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના અંગરક્ષક (પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ - PBG) તરીકે ફરજ બજાવતા સેનાના 26 વર્ષીય જવાન સૌરભ તોમર પર દેશી તમંચાથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી સીધી જવાનના કાન પાછળ માથાના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, બાગપતના ગોપાલપુર ખડાના ગામના વતની અને ભારતીય સેનાની સૌથી જૂની તથા પ્રતિષ્ઠિત રેજિમેન્ટ 'પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ'માં ફરજ બજાવતા સૌરભ તોમર દિવાળી મનાવવા પોતાના વતન આવ્યા હતા. દિવાળીની રાત્રે સૌરભ તેમના ભાઈઓ વિનીત અને મિંટુ સાથે ઘર બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન ગામના જ ધીરજ અને તેના ભાઈ મોનુ ઉર્ફે પ્રવીણ સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી.

જાહેરાત

જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને આવેશમાં આવીને આરોપી ધીરજે અચાનક ગેરકાયદેસર દેશી પિસ્તોલ કાઢી ગોળીબાર કર્યો હતો. ફાયર થયેલી ગોળી પહેલાં દીવાલ સાથે અથડાઈને સીધી સૌરભ તોમરના કાન પાછળ માથામાં ઘૂસી ગઈ હતી. હુમલાખોરોએ સૌરભના ભાઈ વિનીત પર પણ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા ફાયરિંગથી ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા જવાનને તાત્કાલિક બરોત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ મેરઠની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ જટિલ સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી સફળતાપૂર્વક બહાર કાઢી લીધી છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

સૌરભ તોમર વર્ષ ૨૦૨૧માં સેનામાં જોડાયા હતા અને રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત છે. તેઓ પરિણીત છે અને નવ મહિનાનું બાળક ધરાવે છે. બનાવ અંગે જવાનના પિતા હનક રાજની ફરિયાદના આધારે પોલીસે ધીરજ અને મોનુ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત