બાળકોની સુરક્ષા પર સવાલ! OpenAI સામે અમેરિકાના 8 રાજ્યોએ ઠોક્યો કેસ, ગંભીર આરોપોથી ખળભળાટ

વૉશિંગ્ટન: OpenAIના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ChatGPT સામે અમેરિકાના આઠ રાજ્યોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ChatGPT બાળકો અને કિશોરોને દવાઓ અંગે ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરી શકે છે અને તેમને આત્મહત્યા જેવા ગંભીર પગલાં તરફ ઉશ્કેરી શકે છે. આ મામલે AI ટેક્નોલોજીના ઉપયોગ અને બાળકોની સુરક્ષાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
ChatGPT સામે કયા આઠ રાજ્યોએ કરી કાર્યવાહી?
અમેરિકાના આયોવા, એરિઝોના, અરકાન્સાસ, ઇડાહો, કેન્સાસ, મોન્ટાના, નેબ્રાસ્કા અને પશ્ચિમ વર્જિનિયાએ રાજ્યના ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ OpenAI સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ રાજ્યોનો આરોપ છે કે ChatGPT બાળકો અને કિશોરો સાથે એવી રીતે વાતચીત કરે છે કે તેમને લાગે છે કે AI તેમનો વિશ્વાસુ સાથી અથવા મિત્ર છે. આ રીતે ઊભા થતા વિશ્વાસનો દુરુપયોગ કરીને ચેટબોટ તેમને ખોટી સલાહ આપી શકે છે અને જોખમી વર્તન તરફ દોરી શકે છે.
દવાઓની ખોટી માહિતીથી લઈને આત્મહત્યા સુધીના ગંભીર આરોપ
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે ChatGPT બાળકોને દવાઓ સંબંધિત ખોટી માહિતી આપી શકે છે. આ ઉપરાંત, ચેટબોટની વાતચીતથી બાળકો અને કિશોરોમાં ભ્રમ ઊભો થવાની તથા તેમને આત્મહત્યા જેવા જોખમી પગલાં તરફ પ્રેરણા મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અરજીમાં એવો પણ આરોપ છે કે ChatGPT પોતાને વિશ્વાસુ મિત્ર તરીકે રજૂ કરીને યુઝર્સને પોતાની સલાહ સ્વીકારવા પ્રેરિત કરે છે.
કેટલાક આરોપોમાં AI સિસ્ટમ દ્વારા ખોટી માહિતી આપવી અને કંપનીની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. જોકે, આ તમામ બાબતો હાલમાં કાનૂની દાવાઓનો ભાગ છે અને તેની સત્યતા ન્યાયિક પ્રક્રિયામાં નક્કી થશે.
આઠ રાજ્યો હવે સંયુક્ત રીતે લડશે કાનૂની લડાઈ
શરૂઆતમાં આ રાજ્યોના એટર્ની જનરલે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. ત્યારબાદ તમામ રાજ્યો દ્વારા OpenAI સામે સંયુક્ત રીતે કાનૂની લડાઈ આગળ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત નિવેદનમાં AI કંપની સામે આ પ્રકારની કાર્યવાહીનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું.
અરજીઓમાં બાળકો અને કિશોરોની સુરક્ષા ઉપરાંત અન્ય યુઝર્સને લગતી વિવિધ ચિંતાઓ પણ રજૂ કરવામાં આવી છે. હવે આ તમામ મુદ્દાઓને એકસાથે લઈને કંપની સામે કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
OpenAIએ શું આપ્યો જવાબ?
OpenAIએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે ChatGPTમાં બાળકોની સુરક્ષા માટે ખાસ ફીચર્સ ઉપલબ્ધ છે. કંપની આ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સતત સુધારા કરી રહી હોવાનું પણ જણાવાયું છે.
કંપનીએ વધુમાં કહ્યું કે જે AI મોડલમાં ખામીઓ હોવાની ફરિયાદો સામે આવી છે, તેની સમીક્ષા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મામલે હવે કોર્ટની કાર્યવાહી અને કંપની દ્વારા કરવામાં આવતા સુરક્ષાત્મક સુધારા પર નજર રહેશે.








