મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

OpenAIની હાર્ડવેર ક્ષેત્રમાં એન્ટ્રી; 2027 સુધીમાં લોન્ચ કરશે AI સ્માર્ટ સ્પીકર

ઓપનએઆઈ (OpenAI) હવે એઆઈ-પાવર્ડ સ્માર્ટ સ્પીકર, સ્માર્ટ ગ્લાસીસ અને સ્માર્ટ

OpenAIની હાર્ડવેર ક્ષેત્રમાં એન્ટ્રી; 2027 સુધીમાં લોન્ચ કરશે AI સ્માર્ટ સ્પીકર

ઓપનએઆઈ (OpenAI) હવે એઆઈ-પાવર્ડ સ્માર્ટ સ્પીકર, સ્માર્ટ ગ્લાસીસ અને સ્માર્ટ લેમ્પ જેવા હાર્ડવેર ડિવાઈસ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીની પ્રથમ પ્રોડક્ટ કેમેરા ધરાવતું સ્માર્ટ સ્પીકર હોઈ શકે છે, જે વસ્તુઓ અને ચહેરાને ઓળખવામાં સક્ષમ હશે. એપલના ભૂતપૂર્વ ડિઝાઇનર જોની ઇવ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પગલું ઓપનએઆઈને સોફ્ટવેરથી આગળ વધારીને એઆઈ હાર્ડવેર અને સ્માર્ટ ડિવાઈસ માર્કેટમાં એક પ્રમુખ ખેલાડી બનાવી શકે છે.

ચેટજીપીટી (ChatGPT) બનાવનારી કંપની ઓપનએઆઈ હવે માત્ર સોફ્ટવેર સુધી સીમિત રહેવા માંગતી નથી. તાજેતરના અહેવાલો મુજબ, કંપની એઆઈ-પાવર્ડ સ્માર્ટ ડિવાઈસની એક નવી સિરીઝ તૈયાર કરવામાં જોરશોરથી લાગેલી છે. જેમાં સ્માર્ટ ગ્લાસીસ, સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ લેમ્પનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, 200થી વધુ કર્મચારીઓની ટીમ આ ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

માનવામાં આવે છે કે માર્કેટમાં લોન્ચ થનારી ઓપનએઆઈની પ્રથમ હાર્ડવેર પ્રોડક્ટ એક સ્માર્ટ સ્પીકર હશે. આ સ્પીકરમાં ઇન-બિલ્ટ કેમેરા હશે જે તેને તેના યુઝર્સ અને આસપાસના વાતાવરણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્પીકર નજીકના ટેબલ પર રાખેલી વસ્તુઓને ઓળખવામાં અને આસપાસ થતી વાતચીતના સંદર્ભને સમજવામાં સક્ષમ હશે. તેના કેમેરામાં એપલના 'ફેસ આઈડી' જેવું ફેશિયલ રિકગ્નિશન ફીચર પણ હશે. આનાથી યુઝર્સ માત્ર ચહેરો બતાવીને પોતાની ખરીદી કે પેમેન્ટને પ્રમાણિત કરી શકશે. તેની કિંમત અંદાજે ₹16,500 થી ₹25,000 વચ્ચે રહેવાની ધારણા છે. તેને વહેલામાં વહેલી તકે 2027ની શરૂઆતમાં બજારમાં ઉતારવામાં આવી શકે છે.

સ્માર્ટ ગ્લાસીસ: સ્માર્ટ ગ્લાસ સેગમેન્ટમાં હાલમાં મેટા (Meta) નું વર્ચસ્વ છે. રિપોર્ટ મુજબ, ઓપનએઆઈના સ્માર્ટ ગ્લાસીસ 2028 સુધીમાં માર્કેટમાં આવી શકે છે.

સ્માર્ટ લેમ્પ: કંપનીએ આના પ્રોટોટાઇપ બનાવી લીધા છે, પરંતુ તે કન્ઝ્યુમર માર્કેટમાં ખરેખર ઉતારવામાં આવશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.

હાર્ડવેરની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ગત વર્ષે ઓપનએઆઈએ એપલના ભૂતપૂર્વ પ્રખ્યાત ડિઝાઇનર જોની ઇવના સ્ટાર્ટઅપ 'આઈઓ પ્રોડક્ટ્સ' નું $6.5 બિલિયનમાં સંપાદન કર્યું હતું. જોની ઇવને એપલની શ્રેષ્ઠ ડિઝાઇનિંગનો મુખ્ય શ્રેય આપવામાં આવે છે. ૧૯૯૦ના દાયકાથી લઈને ૨૦૧૯ સુધી તેમણે એપલના લગભગ દરેક મુખ્ય ઉપકરણને ડિઝાઇન કર્યું છે. હવે ઓપનએઆઈની આ નવી હાર્ડવેર પ્રોડક્ટ્સના વિકાસનું નેતૃત્વ જોની ઇવ પોતે કરી રહ્યા છે.

એઆઈ ડિવાઈસ ચલાવવા માટે ભારે કમ્પ્યુટિંગ પાવરની જરૂર હોય છે. આને લગતા લોજિસ્ટિક અને ટેકનિકલ મુદ્દાઓને કારણે પ્રોજેક્ટમાં પહેલેથી જ વિલંબ થયો છે.  સૌથી મોટો પડકાર ગ્રાહકોનો ભરોસો જીતવાનો હશે. જે ઉપકરણ દરેક સમયે યુઝરને 'સાંભળતું' અને 'જોતું' હોય, તેને ખરીદતા પહેલા ગ્રાહકો પ્રાઈવસીને લઈને ચોક્કસપણે અચકાશે.

આ સમાચાર શેર કરો