ટાયરના ઘસારાને કારણે છૂટા પડેલા માઇક્રોપ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન :સંશોધન
ઈમ્પીરીયલ કોલેજ લંડનના ટ્રાન્ઝિશન ટુ ઝીરો પોલ્યુશન ઈનિશિએટીવના સંશોધકોએ જણાવ્યું છે કે વિશ્વ

ઈમ્પીરીયલ કોલેજ લંડનના ટ્રાન્ઝિશન ટુ ઝીરો પોલ્યુશન ઈનિશિએટીવના સંશોધકોએ જણાવ્યું છે કે વિશ્વભરમાં દર વર્ષે 60 લાખ ટન ટાયર જર્જરીત થઈ જાય છે, જે અત્યંત નાના કદના નાના કણો છોડે છે, જે માત્ર પર્યાવરણને જ પ્રદૂષિત કરતું નથી પરંતુ હવાને પણ પ્રદૂષિત કરે છે. આ કણો હવા અને પાણીમાં પણ હાજર હોય છે. ટાયરના ઘસારાને કારણે માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં નાના કણો અને રજકણો લોકોના સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન છે.
રસ્તાઓમાં વહેતું પાણી જળમાર્ગો દ્વારા જળાશયો અને ખેતરોમાં જાય છે, તેથી તેની ખેતી પર પણ ખરાબ અસર પડે છે. જો ભવિષ્યમાં આપણાં બધાં વાહનો અશ્મિભૂત ઇંધણને બદલે વીજળીથી ચાલતા હોય, તો પણ ટાયર દ્વારા ફેલાતું હાનિકારક પ્રદૂષણ વાતાવરણમાં પ્રવેશવાનું ચાલુ રાખશે.
ઇલેક્ટ્રિક વાહનોના ટાયર વધુ ઘસાઈ જાય છે
ઇલેક્ટ્રિક વાહનો ચોક્કસપણે પરિવહનને ડીકાર્બોનાઇઝ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, પરંતુ ચિંતાની વાત એ છે કે ઈલેક્ટ્રિક વાહનો ભારે હોય છે, જે ટાયરના ઘસારાને વધારે છે. ટાયરના બાહ્ય ભાગમાંથી નેનોપાર્ટિકલ ઘસારા સાથે મુક્ત થાય છે. સંશોધકોનું કહેવું છે કે આ કણોમાં પોલિઆરોમેટિક હાઇડ્રોકાર્બન, બેન્ઝોથિયાઝોલ, આઇસોપ્રીન, ઝીંક અને સીસા જેવી ભારે ધાતુઓ સહિત અનેક પ્રકારના ઝેરી રસાયણો હોય છે.
ઘણા ગંભીર રોગો માટે જવાબદાર છે
ઇમ્પિરિયલ કોલેજના જીવન વિજ્ઞાન વિભાગના મુખ્ય સંશોધક ડૉ. વિલ પિયર્સના જણાવ્યા અનુસાર, ટાયરનો કચરો કુદરતી રીતે વિઘટિત થતો નથી અને તે ધીમે ધીમે પર્યાવરણમાં ભળી જાય છે અને અન્ય પ્રદૂષકોની સાથે જૈવિક સજીવો પર તેની પ્રતિકૂળ અસર પડે છે. સંશોધન દરમિયાન એવા પુરાવા પણ મળ્યા છે કે ટાયરના ઘસારાથી નીકળતા કણો અન્ય પ્રદૂષિત કણોની સાથે હૃદય, ફેફસાં, શારીરિક વિકાસ, પ્રજનન અને કેન્સર સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરે છે.
પ્રદૂષણ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે
હાલમાં, ટાયરના ઘસારા અને તેમાંથી નીકળતા પ્રદૂષણ સ્તરને માપવા માટે કોઈ પ્રમાણિત માર્ગ નથી, તેથી આ પ્રદૂષણ ધીમે ધીમે વિનાશક બની રહ્યું છે. એક રીતે તેને અદ્રશ્ય દુશ્મન કહી શકાય. સંશોધકો દલીલ કરે છે કે ટાયરનું પ્રદૂષણ ઘટાડવા અને CO2 અને અન્ય ઉત્સર્જનમાં ઘટાડા સાથે પરિવહનને સ્વચ્છ બનાવવા માટે નક્કર નીતિની જરૂર છે.








