ગૂગલે લોન્ચ કર્યા કેટલાક નવા અને ખૂબ જ ખાસ AI ફીચર્સ, જાણો કઈ રીતે તમને મદદરૂપ થશે
દુનિયાભરના કરોડો ગૂગલ યુઝર્સ ગૂગલના આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે

દુનિયાભરના કરોડો ગૂગલ યુઝર્સ ગૂગલના આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે આખરે ગૂગલ ક્લાઉડ નેક્સ્ટ 2024 દરમિયાન વર્કસ્પેસમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલે Google vids નામની નવી એપ લોન્ચ કરી છે, જે AI ફીચર્સથી સજ્જ છે. આ સિવાય ‘ટ્રાન્સલેટ ફોર મી’ નામનું ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ Google Meet દ્વારા યોજાયેલી મીટિંગ દરમિયાન કરી શકાય છે. આ ફીચરની મદદથી તમે Google Meet દરમિયાન અન્ય ભાષાઓમાં થતી વાતચીતને તમારી ભાષાના કેપ્શનમાં વાંચી શકશો. આ સિવાય ગૂગલે આ ઇવેન્ટ દરમિયાન ‘AI સિક્યુરિટી એડ-ઓન’ નામની સેવા પણ રજૂ કરી છે, જે યુઝર્સને તેમની સેન્સિટિવ ફાઇલ્સને પ્રોટેક્ટ કરવામાં મદદ કરશે. ચાલો તમને જણાવીએ ગૂગલના આ ખાસ ફીચર્સ વિશે.
Google vids
ગૂગલે કલાઉડ નેક્સ્ટ 2024 ઇવેન્ટમાં Google vids નામની એપ લોન્ચ કરી છે. આ એપ ઘણા AI ફીચર્સથી સજ્જ છે, જે યુઝર્સને નવા વીડિયો બનાવવામાં મદદ કરશે. આ એપની મદદથી યુઝર્સ વીડિયો બનાવવાની સાથે જ તેને શેર પણ કરી શકશે. આ એપ દ્વારા યુઝર્સ વીડિયો બનાવતી વખતે પોતાનો વોઈસઓવર અપલોડ કરી શકે છે અથવા એપમાં ઉપલબ્ધ કેટલાક પ્રીલોડેડ વોઈસઓવરનો પણ ઉપયોગ કરી શકે છે. એકંદરે, યુઝર્સ વીડિયો રાઇટિંગ, પ્રોડક્શન અને AI એડિટિંગ ટૂલ્સ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
Google Meet માટે ટ્રાન્સલેટ ફીચર
આ ઇવેન્ટમાં ગૂગલે ગૂગલ મીટ માટે એક વિશેષ AI ફીચર પણ લોન્ચ કર્યું છે, જે દુનિયાના ઘણા યુઝર્સ માટે જરૂરી હતું. ગૂગલના આ ફીચરનું નામ ‘ટ્રાન્સલેટ ફોર મી’ છે. આ ફીચરના નામ પરથી જ તમે સમજી ગયા હશો કે તેમાં ભાષાના અનુવાદની સુવિધા મળશે. આ ફીચર ગુગલ મીટ એપમાં જૂન સુધીમાં રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર આપોઆપ કેપ્શન વાંચી લે છે અને પછી તેને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરે છે. ગૂગલે આ ફીચરમાં 52 નવી ભાષાઓ એડ કરી છે. આનો અર્થ એ છે કે ગૂગલ મીટનો ઉપયોગ કરતી વખતે, યુઝર્સ વિશ્વભરની 69 ભાષાઓમાં અનુવાદ સુવિધાનો લાભ લઈ શકે છે.
ખાસ ડોક્યૂમેન્ટ માટે AI સિક્યોરિટી
ગૂગલે આ ઇવેન્ટ દરમિયાન AI સિક્યુરિટી એડ-ઓન નામનું ફીચર પણ રજૂ કર્યું છે. આ ફીચરનું કામ કોઈપણ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સને સંપૂર્ણપણે પ્રોટેક્ટ કરવાનું છે. ગૂગલે આ ફીચરને હાલમાં મર્યાદિત ધોરણે લોન્ચ કર્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને દર મહિને $10 ખર્ચવા પડશે.
નવું Gmail ફીચર
ગૂગલે આ ઇવેન્ટમાં એક નવું Gmail ફીચર પણ લોન્ચ કર્યું છે, જેનું મુખ્ય કામ મેસેજ મોકલવાનું રહેશે. વાસ્તવમાં ગૂગલે Gmail પર એક નવું વોઈસ પ્રોમ્પ્ટિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ વોઈસ કમાન્ડ પર ઈમેલ મોકલી શકશે. એટલે ઈમેઈલ મોકલવા માટે તમે માત્ર બોલીને કેટલાક કમાન્ડ આપી શકો છો અને ગૂગલનું આ નવું ફીચર તમારા માટે જેમિનીનો ઉપયોગ કરીને એક સરસ ઈમેલ તૈયાર કરશે અને તેને મોકલી પણ દેશે. આટલું જ નહીં, જો તમે ઈમેલ મોકલવા માટે થોડા શબ્દો લખી દો છો, તો તેના આધારે, ગૂગલનું આ ફીચર માત્ર એક ક્લિકમાં પરફેક્ટ ઈમેલ તૈયાર કરશે અને તેને મોકલી પણ દેશે.








