Citizen Lab નો ચોંકાવનારો ખુલાસો: ઓનલાઈન એડ્સ દ્વારા ડિજિટલ જાસૂસીનું ઈન્ટરનેશનલ નેટવર્ક પકડાયું

ઓનલાઈન જાહેરાતો હવે માત્ર પ્રોડક્ટ્સના પ્રચારનું માધ્યમ રહી નથી, પરંતુ તેનો ઉપયોગ મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોમાં જાસૂસી માટે પણ થઈ શકે છે. ટોરોન્ટો યુનિવર્સિટીની સાયબર સુરક્ષા સંશોધન સંસ્થા સિટિઝન લેબ (Citizen Lab)ની નવી તપાસમાં ઈઝરાયેલની જાહેરાત ટેકનોલોજી કંપની ડિસ્કવર-ટેક (Discover-Tech) અને જાસૂસી સોફ્ટવેર વચ્ચેની કડીઓ સામે આવી છે. આ તપાસમાં ભારતમાંથી મુખ્યત્વે લોગિન કરતું એક એકાઉન્ટ પણ મળ્યું છે. જોકે, આ એકાઉન્ટ કોણ ચલાવતું હતું અથવા તેની પાછળ કઈ સંસ્થા હતી તે સ્પષ્ટ થયું નથી.
જાહેરાત દેખાય એટલે પણ થઈ શકે છે જાસૂસી
તપાસ મુજબ, ડિસ્કવર-ટેકનું કન્ટ્રોલિયમ (Controlium) પ્લેટફોર્મ ચોક્કસ વ્યક્તિઓનાં ડિવાઇસને ઓળખવા, તેમની માહિતી એકત્રિત કરવા અને પસંદ કરેલા ઉપકરણોને નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રકારની પદ્ધતિને ‘એડફેક્શન’ (AdFection) નામ આપવામાં આવ્યું છે.
આમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે યુઝરે જાહેરાત પર ક્લિક કરવાની, કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની કે લિંક ખોલવાની પણ જરૂર પડતી નથી. જાહેરાત દેખાય ત્યારે તેમાં રહેલો કોડ સંબંધિત સર્વર સાથે જોડાઈ શકે છે અને ડિવાઇસની માહિતી એકત્રિત કરી શકે છે. પસંદ કરાયેલા ડિવાઇસમાં જાસૂસી સોફ્ટવેર પહોંચાડવાનો પ્રયાસ પણ થઈ શકે છે. આ પદ્ધતિને ‘ઝીરો-ક્લિક એટેક’ (Zero-Click Attack) કહેવામાં આવે છે.
2021માં ભારતીય કંપનીએ ખરીદ્યાં હતાં બિઝનેસ એસેટ્સ
સિટિઝન લેબની તપાસમાં ભારતીય જાહેરાત ટેકનોલોજી કંપની એફલ (Affle) સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ કડી પણ સામે આવી છે. કંપનીએ 2021માં દુબઈ સ્થિત તેની પેટાકંપની દ્વારા ડિસ્કવર-ટેકની કેટલીક વ્યાવસાયિક સંપત્તિઓ ખરીદી હતી. એફલ (ઇન્ડિયા) લિમિટેડનું નામ 2025માં બદલીને એફલ 3આઈ લિમિટેડ કરવામાં આવ્યું હતું.
આ સોદામાં ટેકનોલોજી પ્લેટફોર્મ, બ્રાન્ડ નામ, બૌદ્ધિક સંપદા અધિકારો, વ્યાવસાયિક સંબંધો અને ટેકનિકલ માહિતીનો સમાવેશ થતો હતો. સોદાની નિશ્ચિત કિંમત 11.5 લાખ ડોલર હતી, જ્યારે શરતો મુજબ વધુમાં વધુ 33.7 લાખ ડોલર સુધીની વધારાની સફળતા ફી ચૂકવવાની જોગવાઈ હતી.
જોકે, સિટિઝન લેબે સ્પષ્ટ કર્યું છે કે તેની પાસે એફલનો ડિસ્કવર-ટેકની કથિત દૂષિત જાહેરાત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ હોવાનો કોઈ પુરાવો નથી. સંપત્તિ વેચાણનો ચોક્કસ વ્યાપ પણ સંશોધકો જાણી શક્યા નથી. એફલ તરફથી તપાસ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના પ્રકાશન સમયે જવાબ મળ્યો નહોતો. તેથી આ સોદાને જાસૂસી પ્રવૃત્તિમાં સીધી સંડોવણીનો પુરાવો માનવો યોગ્ય નથી.
અલ જઝીરાના 45થી વધુ ડિવાઇસ નિશાન પર
તપાસમાં જાણવા મળ્યું કે 2024 અને 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા અલ જઝીરા (Al Jazeera)નાં ઓછામાં ઓછાં 45 ડિવાઇસને નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને તેમાં જાસૂસી સોફ્ટવેરથી ચેપ લાગ્યો હતો. સંશોધકોએ જાહેરાત સિસ્ટમ અને કેન્ડિરુ (Candiru) નામના ઇઝરાયેલી સર્વેલન્સ સોફ્ટવેર વચ્ચે ટેકનિકલ જોડાણ શોધ્યું છે. આ કંપનીનું નામ હવે ઇન્ટિગ્રિટી લેબ્સ (Integrity Labs) કરવામાં આવ્યું છે.
અબજો જાહેરાત રેકોર્ડની તપાસ
સિટિઝન લેબે માર્ચથી જૂન 2026 દરમિયાનના લગભગ ચાર અબજ જાહેર જાહેરાત-બિડિંગ રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં ડિસ્કવર-ટેકના માયડીએસપી (MyDSP) પ્લેટફોર્મે અંદાજે 377 કરોડ જાહેરાત ઇમ્પ્રેશન માટે બોલી લગાવી હતી અને લગભગ 44.2 કરોડ ઇમ્પ્રેશન જીત્યાં હતાં. આમાંથી આશરે 71.87 કરોડ બિડમાં એવા જાહેરાત સ્ક્રિપ્ટ્સ સાથે જોડાણ જોવા મળ્યું, જે જાસૂસી સોફ્ટવેર પહોંચાડવાની પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે.
આ પ્રકારની જાહેરાતો એન્ડ્રોઇડ અને આઇઓએસની 75,373 એપ્સ તથા 1,20,768 વેબસાઇટ્સ પર દેખાઈ હતી. એમએક્સ પ્લેયર, લાર્ક પ્લેયર, વાઇબર, સ્નેપ વીપીએન, ટ્રુકોલર, વિવાકટ અને લુડો સ્ટાર જેવી એપ્સ પર પણ આવી જાહેરાતો જોવા મળી હતી. જોકે, જાહેરાત દેખાઈ હોવાનો અર્થ એ નથી કે દરેક એપના યુઝરનો ફોન હેક થયો હતો.
ગૂગલે કંપની સામે કાર્યવાહી કરી
તપાસ બાદ ગૂગલે ઑક્ટોબર 2026ની શરૂઆતમાં ડિસ્કવર-ટેકની જાહેરાત એક્સચેન્જ પ્લેટફોર્મ સુધીની પહોંચ બંધ કરી હતી. આઈએબી યુરોપે કંપનીને પોતાની વેન્ડર રજિસ્ટ્રીમાંથી સસ્પેન્ડ કરી હતી. અન્ય જાહેરાત ટેકનોલોજી કંપનીઓએ પણ તેના એકાઉન્ટ અથવા ડોમેન સામે કાર્યવાહી કરી હતી.
આ તપાસ ઓનલાઈન જાહેરાતોના માધ્યમથી થતી સંભવિત ડિજિટલ જાસૂસી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. જોકે, ભારતમાંથી લોગિન કરતું એકાઉન્ટ, એફલ દ્વારા થયેલો જૂનો સંપત્તિ સોદો અને ડિસ્કવર-ટેકની કથિત જાસૂસી પ્રવૃત્તિઓ વચ્ચે સીધો સંબંધ હોવાનો પુરાવો હજી સામે આવ્યો નથી.








