બ્લેક સીમાં ‘MV ROYAD MAMMADOV’ જહાજ પર હુમલો: બે ખલાસીઓના મોત, ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાની વિદેશ મંત્રાલયની પુષ્ટિ

બ્લેક સી (કાળા સમુદ્ર) માં માલવાહક જહાજ 'MV ROYAD MAMMADOV' પર થયેલા જીવલેણ હુમલાની ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ સખત શબ્દોમાં નિંદા કરી છે. આ હિંસક હુમલામાં બે વિદેશી ખલાસીઓના મોત થયા છે, જ્યારે ક્રૂમાં સામેલ કેટલાક સભ્યો ઘાયલ થયા છે, જેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજમાં સવાર ત્રણેય ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વિદેશ મંત્રાલયનું સત્તાવાર નિવેદન
ઘટના અંગે માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે બ્લેક સીમાં MV ROYAD MAMMADOV જહાજ પર થયેલા ઘાતક હુમલાની આકરી નિંદા કરીએ છીએ. આ ઘટનામાં બે વિદેશી ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે અને ક્રૂના કેટલાક સભ્યો ઘાયલ થયા છે, જેમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે."
વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટતા કરી કે, "રોમાનિયન ઓથોરિટી દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેમને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. જહાજના ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવી રહેલા ત્રણેય ભારતીય નાગરિકો હાલ સુરક્ષિત છે."
રોમાનિયન સત્તાવાળાઓનો આભાર માન્યો
મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક મદદે પહોંચવા બદલ ભારતે રોમાનિયન સરકાર અને તેના સંબંધિત સત્તાવાળાઓની કામગીરીની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયે રોમાનિયન ઓથોરિટી દ્વારા દર્શાવવામાં આવેલી ત્વરિત સતર્કતા અને માનવતાવાદી સહાય બદલ તેમનો ઔપચારિક આભાર વ્યક્ત કર્યો છે.
હાલ ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત હોસ્પિટલ પ્રશાસનના સતત સંપર્કમાં છે, જેથી સારવાર લઈ રહેલા ભારતીય નાગરિકોને તમામ જરૂરી સહાય પૂરી પાડી શકાય. બ્લેક સી વિસ્તારમાં વ્યાપારી જહાજ પર થયેલા આ હુમલાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

